સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

વાંકાનેરના અરણીટીંબામાં વ્યાજ માટે ધમકીઓ મળતાં યુનુસ સેરસીયાએ ઝેર અને ફિનાઇલ પીધું

નાના ભાઇ મહેબૂબે એક વર્ષ પહેલા દરબાર લોકો પાસેથી વ્યાજે નાણા લીધા'તા તે હવે અમદાવાદ જતો રહેતાં તેને શોધી લાવવા અથવા વ્યાજ ચુકવવા દબાણ થતું હોવાનો આક્ષેપ સ્યુસાઇડ નોટ લખી ઘરેથી નીકળી જઇ અમરસર ફાટક પાસે પગલુ ભર્યુઃ યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં યુનુસભાઇ વલીમહમદ સેરસીયા (ઉ.૪૦)એ સાંજે ઘરેથી બાઇક લઇ નીકળી ગયા બાદ અમરસર ફાટક પાસે જઇ ઉંદર મારવાની દવા અને ફિનાઇ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. વ્યાજ માટે ધમકીઓ મળતી હોવાથી આ પગલુ ભરવા મજબૂર થયાની તેણે સ્યુસાઇડ નોટ લખી છે.

યુનુસભાઇ સેરસીયાને રાજકોટ સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. યુનુસભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં બીજા છે. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. તેના પરિવારજનોના કહેવા મુજબ યુનુસભાઇના નાના ભાઇ મહેબુબભાઇએ એક વર્ષ પહેલા દરબાર પાસેથી દોઢ લાખ વ્યાજે લીધા હતાં. તે હવે અમદાવાદ જઇ બાંધકામનો કામ કરે છે અને વ્યાજ ભરતાં નથી. યુનુસભાઇ જામીન પણ નહોતાં છતાં વ્યાજે નાણા આપનારા લોકો તેની પાસેથી વ્યાજની ઉઘરાણી કરે છે અને મહેબૂબભાઇને શોધી લાવવા દબાણ કરે છે. આથી કંટાળીને તેણે આ પગલું ભર્યુ છે. યુનુસભાઇએ એક ચિઠ્ઠી પણ લખી છે. જેમાં લખ્યું છે કે મને વ્યાજ માટે અપહરણ કરી મારી નાંખવાની અને મારા સંતાનોને મારી નાંખવાની ધમકીઓ મળે છે. મારી જમીનનો દસ્તાવેજ કરી દેવાની પણ ધમકીઓ અપાય છે. અગાઉ મારા પિતાને પણ ધમકી આપી જમીનનું સાટાખત કરાવી લેવડાવ્યું હતું. મારા ભાઇએ વ્યાજે નાણા લીધા હતાં. મારે કંઇ લેવા દેવા ન હોવા છતાં બધા લેણદારો મને હેરાન કરી સતત મારી નાંખવાની ધમકી આપે છે. હવે મારાથી સહન થતું નથી. સમાજમાં આબરૂ ન જાય તેથી હું આ પગલુ ભરું છું.

વાંકાનેર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. યુનુસભાઇને સારવાર માટે રાજકોટ દાખલ કરાયા છે.

(11:44 am IST)