સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

આમરણ ચોવીસી પંથકના અણઉકેલ પ્રશ્નો ઉકેલવા માંગણી : જિ.પં.સામાન્ય સભામાં દરખાસ્ત

આમરણ તા. ૧૯ : આમરણ ચોવીસી પંથકના વણઉકેલ પ્રશ્નો અંગે તાજેતરમાં મળેલ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી દરખાસ્તો રજૂ કરી તાકિદે ઉકેલ લાવવા સરકાર સમક્ષ પુનઃ રજૂઆત કરવામાં આવી છે.

જિ.પં.પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા દ્વારા આમરણ ચોવીસી પંથકના ૧૪ ગામોને જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાંથી મોરબી જિલ્લામાં સમાવેશ કરતાની સાથે જ આઝાદી કાળથી કાર્યરત આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બંધ કરી દેવાયુ છે તે પુનઃ ચાલુ કરી પીએસઆઇ સહિત સ્ટાફ ફાળવવા માંગણી કરી છે. હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ૧૦૨ ગામોની જવાબદારી વહન કરી રહ્યુ છે  અપુરતા સ્ટાફને અભાવે દરિયાઇ કાંઠાનો આમરણ ચોવીસી વિસ્તાર ધણીધોરી વિનાનો બની જવા પામ્યો છે.

ધો.૧૦ પરીક્ષા કેન્દ્ર ફાળવવા માંગણી

આમરણ આસપાસના ૨૪ ગામોનું મુખ્ય મથક છે આમરણ સહિત આજુબાજુમાં ૧૪ જેટલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓ કાર્યરત છે હાલ ઉપરોકત શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧૦ના વિદ્યાર્થીઓનો મોરબી,જોડીયા, ધ્રોલ ૪૦ કીમી દૂર બોર્ડની પરીક્ષા આપવા જવુ પડે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની નિતી મુજબ નાના સેન્ટરોને ૫ણ કેન્દ્ર ફાળવવામાં આવે છે. આ બાબતે આમરણ ખાતે કેન્દ્ર આપવા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ધ્યાન અપાતુ ન હોય માર્ચ ૨૦ની પરીક્ષા પહેલા આમરણને કેન્દ્ર ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

આઇ.ટી.આઇ શરૂ કરવા માંગણી

આમરણ ચોવીસી પંથક ઉદ્યોગવિહોણો સૂકી ખેતી આધારીત આર્થિક પછાત વિસ્તાર છે આ પંથકના યુવાન યુવતીઓને કૌશલ્યવર્ધક તાલીમથી પગભર કરવા આઇટીઆઇ કોલેજ આમરણ ખાતે શરૂ થવી જરૂરી છે ધો. ૧૦-૧૨ પાસ નાપાસ થયા બાદ અભ્યાસ છોડી દેતા સેંકડો વિદ્યાર્થીઓની કારકિર્દી માટે આઇટીઆઇ આશીર્વાદરૂપ બની શકે તેમ છે.

(11:34 am IST)