સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th June 2018

વાંકાનેરમાં રાજવી પરિવાર દ્વારા રાજ પેલેસ પાછળ લાખોના ખર્ચે ચેકડેમનું નિર્માણ : વૃક્ષારોપણ

બધુ સરકાર જ કરે તેના બદલે આપણે પણ કંઇક કરવુ જોઇએ : યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા

વાંકાનેર તા.૧૯ : શહેરની સુખાકારી માટે સરકારશ્રીની જૂદી જૂદી યોજના હેઠળ સરકારી સંસ્થાઓ વિકાસના કાર્યો કરતી આવી છે ત્યારે દરેક માનવીની પણ ફરજ બને છે કે, આપણું શહેર વિસ્તાર સ્વચ્છ રહે, હરીયાળુ રહે, પાણીના તળ પાણીથી ભરપુર રહે, આવા પ્રયત્નો દરેક સક્ષમ નાગરીક અને સામાજીક સંસ્થાઓએ કરવા જોઇએ. તેવા વિચારો ધરાવતા રાજવી પરિવારના યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ પ્રજાની સુખાકારીના રાજવી પરિવારોના વિચારો અને કાર્ય આજે પણ પોતાના જીવનમાં જીવંત રાખ્યા છે.

આપણી માલીકીની જમીનોમાં આપણા ખર્ચ ચેકડેમો બનાવવા તેના પાણી સંગ્રહથી જમીનના તળ પાણીદાર બનાવવા,  વરસાદને લાવવા વધુ ને વધુ વૃક્ષો વાવવા, પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળો નજીક સ્વચ્છતા જાળવવી, જીવસૃષ્ટિની રક્ષા કરવી એ દરેક માનવીએ પોતાની ફરજ સમજવી જોઇએ. આ વાતને વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાએ પોતાના જીવનમાં ઉતારી છે અને સમાજના સક્ષમ નાગરીકો અને સામાજીક સંસ્થાઓને સુંદર સંદેશો પૂરો પાડતું કાર્ય કર્યુ છે. વાંકાનેરની શાન એવા રાજ પેલેસના પાછળના ભાગે ગઢીયા ડુંગર વિસ્તારની વચ્ચે પોતાની વિશાળ જગ્યામાં લાખો રૂપિયા ખર્ચે ચેકડેમનું નવુ બાંધકામ કરી જેસીબી ટ્રેકટર જેવા આધુનીક સાધનો વડે ચેકડેમની ઉંડાઇ વધારી તેમાથી કાપ કઢાવીને લાખો લીટર પાણીનો જથ્થો ચેકડેમ થકી એકત્ર કરી શકાય અને આ પાણીના જથ્થાથી આસપાસના રહેણાંક વિસ્તારના તળ પણ સાજા થાય તેવુ ભવ્ય કાર્ય કર્યુ છે.

સાથો સાથ ચેકડેમ ઉંડો ઉતારવાની કાર્યવાહી સાથે તેમાથી નિકળેલ કાપ માટીને વગડાની જમીન ઉપર પથરાવી તેમા વૃક્ષો વાવી આ વિસ્તારને લીલોતરી સાથે હરીયાળો બનાવવાનું કાર્ય કરી વનસૃષ્ટિનુ પ્રેરણારૂપ કામ કર્યુ છે. રાજ પેલેસ પાછળ આવેલ શ્રી શિતળા માતાજી તથા શ્રી ધોળેશ્વર મહાદેવના ભવ્ય મંદિર આસપાસ સુકાયેલી ઝાડી ડાખરા અને પાનખર ઋતુમાં ખરેલા પાંદડાનો કચરો સાફ કરાવી સ્વચ્છતા અભિયાનનું પણ પ્રેરણારૂપ કાર્ય કર્યુ છે.

ભારતમાં પર્યાવરણ ખાતાનો પ્રારંભ અને તેના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પદે વાંકાનેરના મહારાણા રાજ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલા રહ્યા હતા અને આખા વિશ્વને પર્યાવરણ અંગેનો સંદેશો આપ્યો હતો. આવા પર્યાવરણ પ્રેમી દિગ્વિજયસિંહજી ઝાલાના પુત્ર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાએ પણ પર્યાવરણ સાથે જળસંગ્રહ માટેનું સુંદર કાર્ય કર્યુ છે.

(12:23 pm IST)