જસદણના બંધાળીના કોળી વૃદ્ધનું સર્પદંશથી મોત : પોલીસ મોડી આવતા પરિવારનો હોબાળો
જસદણ, તા. ૧૯ જસદણના બંધાળી ગામના એક ખેડૂત કોળી કલ્યાણભાઇ સંગ્રામભાઇ મકવાણા સોમવારે તેમની વાડીમાં કામ કરી રહ્યા હતાં. દરમિયાન સર્પ એ દંશ દેતા સારવાર માટે જસદણ ગોંડલ લઇ જવાયા હતાં. બાદમાં તેમનું મૃત્યુ થતા ૬પ વર્ષના આ વૃદ્ધના મૃતદેહને જસદણની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ. આ અંગે હોસ્પિટલના ડોકટરોએ પોલીસને જાણ કરી હતી, પણ અઢી કલાક પછી પણ પોલીસ ન આવતા આ વૃદ્ધનું પીએમ છેક મોડી સાંજે થતા દર્દીઓના સગા સંબંધીઓએ જણાવ્યું કે, અમો બપોરના અઢી વાગ્યે મૃતકને પી.એમ. માટે લાવ્યા બાદ ત્રણ કલાકથી પોલીસ પંચનામુ કરવા આવી નથી હવે અમો મૃતકની અંતિમવિધી કયારે કરીશું ? સરકારની હોસ્પિટલમાં લાંબા સમયથી કોઇ પોલીસ ચોકીની વ્યવસ્થા નથી. અગાઉ હોસ્પિટલમાં પોલીસ ચોકી બનાવવા માટે ભાજપના ગજેન્દ્રભાઇ રામાણી સહિતનાઓએ માંગણી કરેલ પણ વર્ષો પછી પણ રાજયના ગૃહવિભાગ દ્વારા પોલીસ ચોકીની વ્યવસ્થા કરી ન હોવાથી વારંવાર મુશ્કેલી સર્જાય છે.