સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તાઉ તે વાવાઝોડાની અસરથી પડી ગયેલ થાંભલાઓ પુર્વવત કરી વીજ પુરવઠો પુનઃ સ્‍થાપિત કરાયો: ૩૮ જેટલા વૃક્ષો પડી જતાં તેને તાત્‍કાલીક દુર કરીને માર્ગ ખુલ્‍લા કરાયા

દેવભૂમિ દ્વારકા: ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં આવેલ તાઉ તે વાવાઝોડાની અસરને પહોચી વળવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રએ કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શનમાં સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવનાર તાઉ તે વાવાઝોડા સંદર્ભે સજ્જ રહેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં શેલ્‍ટર હોમ,  સ્‍થળાંતર કરવામાં આવેલ લોકો માટે ભોજનની વ્યવસ્થા, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા, હોસ્પિટલમાં પાવર બેકઅપની સગવડ, વિવિધ સ્થળોએ એનડીઆરએફની ટીમ, વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો બંધ થઈ જાય તો તાત્કાલિક શરૂ કરવા માટે પીજીવીસીએલની ટીમ, પોલીસ પેટ્રોલિંગ વગેરે યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દેવભૂમિ દ્વારકામાં તાઉતે વાવાઝોડાની નહીવત અસર જોવા મળી હતી.
 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાઉ તે વાવાઝોડાના પગલે ૪૦ થી ૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જિલ્લામાં પવનના કારણે ૬૭ જેટલા વીજ થાંભલાઓને નુકસાન થયું હતું. જેના લીધે ૩૮ ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક નુકસાન થયેલ થાંભલાઓને પૂર્વવત કરી તમામ ગામોમાં વીજપુરવઠો ફરી શરૂ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના લીધે આવેલ પવનથી ૨૩ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેને રસ્તા પરથી તરત જ દૂર કરીને વાહન વ્યવહારને અસર ન થાય તે માટેની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ૮ જેટલા કાચા ઝૂંપડાઓને પવનથી નુકસાન થયું છે. જિલ્લામાં કોઈ સરકારી ઇમારત, કાચા કે પાકા મકાન, સરકારી કે ખાનગી દવાખાના ને નુકસાન થયું નથી કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.  આમ, તાઉ તે વાવાઝોડાની ખુબ ઓછી અસર દેવભૂમિ દ્વારકામાં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે

(12:45 am IST)