ઘોઘાના મામસા ગામે પિતાએ પુત્રીને પતાવી દીધીઃ રહસ્યમય ઘટના
ભાવનગર પંથકમાં અરેરાટીઃ પત્નીએ પતિ સામે કરેલી ફરીયાદ? શિવાનીનો વાંક શું?
ભાવનગર તા.૧૯: જિલ્લાના મામસા ગામે પિતાના હાથે પુત્રીની હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે.
વિગતો એવી છેકે ઘોઘા તાલુકાના મામસા ગામે રહેતી શિવાની જગદિશભાઇ ચુડાસમા ઉ.વ. ૧૭ ઉપર કોઇ કારણોસર તેના પિતા જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમાએ પગ, સાથળ, પેટ અને હાથ ઉપર પગ વડે લાતો મારી ગંભીર ઇજા કર્યા બાદ લાકડી તેમજ પટ્ટા વડે ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત પુત્રીને સારવાર માટે ભાવનગરની સરટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નિપજયું હતું.
આ બનાવ અંગે મૃતક શિવાનીની માતા ભાનુબેન જગદિશભાઇ ચુડાસમા એ તેના પતિ વિરુધ્ધ પુત્રીની હત્યા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે આરોપી જગદિશ ચુડાસમાએ પુત્રીને ઢોરમાર માર્યા બાદ ખોટી માહિતી આપી હતી કે પુત્રી શિવાની બાઇક ઉપર થી પડી જતાં ગંભીર ઇજા પહોંચી છે અને હત્યા ને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્નીએ જ પતિ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી હતી.(૧.૧૦)