સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

ભાવનગરમાં હોમ આઈસોલેટ કોરોનાના દર્દીઓ માટે સેવાભાવી સંસ્થા દ્વારા ઓક્સિજન બેંક શરૂ

જૈન સમાજની મોટી સંસ્થા જીતો દ્વારા દાદાસાહેબ જૈન દેરાસર ખાતેથી વિતરણ :જરૂરિયાતમંદ દર્દીઓને બિલકુલ ફ્રીમા ઓક્સિજન પૂરો પાડી માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

અમદાવાદ : રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસને લઈને અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. જેમાં ગુજરાતના અનેક શહેરોમાં ઓક્સિજનની ખુબજ મોટી ઘટ ઉભી થવા પામેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એટલી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે, કે જેને લઈને હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો પુરવઠો માંડ પૂરો પડી રહ્યો છે, ત્યારે હોમ આઇસોલેટ હોય અને જેને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓ ખૂબ મોટી મુશ્કેલી ઓક્સિજનને લઈને ભોગવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં જૈન સમાજની ખુબ જ મોટી સંસ્થા જીતો દ્વારા ભાવનગર દાદાસાહેબ જૈન દેરાસર ખાતે ઓક્સિજન બેન્ક શરૂ કરી જરૂરિયાતમંદ દર્દીઓને બિલકુલ ફ્રીમા ઓક્સિજન પૂરો પાડી માનવતાનું ખુબ જ મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ભાવનગરમાં હાલની કોરોના મહામારી ની પરિસ્થિતિ માં એક વિકટ સમસ્યા ઓક્સિજનની અછતની છે ત્યારે ભાવનગર ની જાણીતી સંસ્થા જીતો ભાવનગર દ્વારા એક ઉમદા કાર્ય ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવેલ છે. ઓક્સિજન બેંકમાં કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર ભાવનગરના જરૂરિયાતમંદ દર્દીઓને આશીર્વાદરૂપ ઓક્સિજન સિલિન્ડર તદ્દન મફત આપવામાં આવી રહ્યા છે.

ભાવનગર વાસીઓ માટે શરૂ કરવામાં આવેલા આ ઉત્તમ કાર્ય માટે અનુદાન ની ટહેલ નાખવામાં આવતા, માનવતા ના સાદ ને સ્વીકારી ખૂબ જ ટૂંકા ગાળામાં 500 કરતા વધારે ઑક્સિજન સિલિંડર નું દાન જીતો મેમ્બરો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા થઇ ચૂક્યું છે. અને હજુ પણ પુછપરછ શરુ છે દર્દીની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર દર્દીને આધાર કાર્ડની ઝેરોક્ષ અને ડૉક્ટરની ચિટ્ઠી પર દાદા સાહેબ જિનાલય કાળાનાળા ખાતેથી ફ્રીમાં સિલિન્ડર બાટલા અપાઈ રહ્યા છે.

(1:10 pm IST)