સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

ગોંડલમાં એકિટવાની ડેકીમાંથી રૂા. ૨,૯૫,૦૦૦ હજારની ચોરી

વેપારીના માતા કોરોનામાં સપડાયા હોય સગા વાલા પાસેથી હાથ ઉછીના રૂપિયા ભેગા કર્યા હતા અને હોસ્‍પિટલ ડિપોઝીટ ભરવા જતા હતા

ગોંડલ,તા. ૧૯: ગુજરાતીમાં કહેવત ‘દાઝ્‍યા પર ડામ' જેવી ઘટના ગોંડલમાં બનવા પામી છે ગુંદાળા ચોકડી પાસે સુરતી આમલેટ નામની દુકાન ધરાવતા વેપારીના માતા કોરોનામાં સપડાયા હોય હોસ્‍પિટલ સંચાલકો ડિપોઝિટ પેટે રૂપિયા ભરવાનું જણાવતા સગા વહાલા સ્‍નેહી મિત્રો પાસેથી રૂ ત્રણ લાખ જેવી માતબર રકમ ભેગી કરી હોસ્‍પિટલમાં ભરવા જઈ રહ્યા હતા ત્‍યાં એક્‍ટિવાની ડેકીમાંથી ચોરી થઈ જતા બનાવ પોલીસ મથકે પહોંચ્‍યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખોડિયાર નગરમાં રહેતા અને ગુંદાળા ચોકડી પાસે આમલેટ ની દુકાન ધરાવતા મનોજભાઈ નાથાભાઈ ઘાડીયા ના માતા લાભુબેન કોરોનામા સપડાયા હોય ખાનગી હોસ્‍પિટલમાં ડિપોઝિટ પેટે રૂપિયા ૩ લાખ જેવી માતબર રકમ ભરવાની હોય આવડી મોટી રકમ હાથ ઉપર ન હોય મનોજભાઈ દ્વારા સુરતના સગાવહાલા પાસેથી ઉછીના પૈસા મંગાવવામાં આવ્‍યા હતા અને આ રકમ એક્‍ટિવાની ડેકીમાં મૂકી હોસ્‍પીટલ જવાની તૈયારી કરતા હતા ત્‍યાં કોઈ અજાણ્‍યા શખ્‍સે ચોરી કરી લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી એલ ઝાલાએ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

ઘટના અંગે પીએસઆઇ બીએલ ઝાલાએ જણાવ્‍યું હતું કે તસ્‍કરો અવાર નવાર મનોજભાઇને દુકાને જમવા આવતા હોય છે તસ્‍કરો હાથવેંતમાં જ છે ગણતરીની કલાકોમાં જ ઝડપાઇ જશે અને તમામ રકમ રિકવર કરી લેવામાં આવશે તેઓ આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો.

 

(11:26 am IST)