સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th April 2019

વાંકાનેરના લાલપર પાસે યુટીલીટીએ બે વાહનને ઉલાળ્યાઃ લીંબાળાના કોળી યુવાનનું મોતઃ અન્ય યુવાનને ઇજા

કામેથી ઘરે આવતો હતો ત્યારે લાલપરના પંપ પાસે બનાવઃ સારવાર દરમ્યિાન રાજકોટમાં દમ તોડ્યોઃ અન્ય એક ટુવ્હીલર ચાલક મુસ્લિમ વાંકાનેર હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: વાંકાનેરના લાલપર પાસે યુટીલીટીના ચાલકે બે ટુવ્હીલરને ઉલાળતાં લીંબાળાના કોળી યુવાનનું મોત નિપજ્યું છે. અને અન્ય એક મુસ્લિમ યુવાનને ઇજા થઇ છે.

જાણવા મળ્યા મુજબ લીંબાળા રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો જીણાભાઇ મેરામભાઇ ભોરણીયા (ઉ.૩૫) નામનો કોળી યુવાન સાંજે કામ પુરૂ કરી બાઇક હંકારી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં લાલપરના પંપ નજીક એક યુટીલીટીના ચાલકે બાઇક સહિત ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે જરૂરી કાર્યવહી કરી હતી. મૃત્યુ પામનાર જીણાભાઇ નવ ભાઇમાં ત્રીજો અને અપરિણીત હતો. તેના સ્વજનોના કહેવા મુજબ યુટીલીટીની ઠોકરે એકટીવા ચાલક મુસ્લિમ યુવાનને પણ ઇજા થઇ હતી. તેને વાંકાનેર ખસેડાયો હતો.

(12:47 pm IST)