સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th April 2019

વંથલીમાં રેશ્મા પટેલ ઉપર હુમલો

પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ અને માણાવદર એનસીપીના ઉમેદવાર ઉપર હુમલો થતા ખળભળાટઃ સાંજે પ્રચારમાં નીકળેલા ભાજપના કાર્યકર દિપક વડાલીયાએ કરી માથાકુટઃ રેશ્માબેન સ્થાનિક હોસ્પીટલમાં સારવાર હેઠળઃ ફરીયાદ થઈ નથી

જૂનાગઢ-પોરબંદર, તા. ૧૯ :. લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર અને માણાવદર વિધાનસભા બેઠકના એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ ઉપર કાલે સાંજે જૂનાગઢના વંથલીમા હુમલો થતા ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને આડે ગણતરીના ૪ દિવસો બાકી છે ત્યારે માણાવદર બેઠકના એનસીપીના ઉમેદવાર રેશ્માબેન પટેલ પર ગત સાંજે વંથલી ખાતે ભાજપના વોર્ડ નં. ૧ ના કાર્યકર દિપક વડાલીયાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

આ હુમલાના પગલે રેશ્માબેન સારવારમાં હોવાનું પણ જાણવા મળે છે. જો કે આ બારામાં હજુ ફરીયાદ થઈ નથી.

માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા આ બેઠકની પેટા ચૂંટણી આગામી તા. ર૩ નાં રોજ લોકસભા સામાન્ય ચૂંટણીની સાથે રાખવામાં આવી છે.

જેમાં કુલ ૮ ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે જેમાં પાટીદાર મહિલા અગ્રણી કનેરીયા રેશ્માબેન પટેલ (નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી) નો પણ સમાવેશ થાય છે.

દરમ્યાનમાં  આ ચૂંટણીનાં આડે ગણતરીનાં જ દિવસો બાકી હોય ગઇકાલે રેશ્માબેન તેમનાં સર્મથકો સાથે માણાવદર બેઠકનાં વંથલીનાં વોર્ડ નં. ૧ માં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતાં.

ત્યારે વોર્ડ નં. ૧ ના ભાજપનાં કાર્યકર દિપક વડાલીયાએ રેશ્માબેન સાથે ઉગ્ર બોલાચાલી કરી બાદમાં તેની ઉપર હૂમલો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

આ હુમલામાં રેશમાબેનને ઇજા થતા તેઓ વંથલી ખાતેના સરકારી દવાખાનામાં દાખલ થઇ ગયા હતા.

આ બનાવની જાણ થતા રેશ્મા પટેલનાં સમર્થકો વગેરે દોડી ગયા હતા.

આ બનાવ અંગે આજે સવાર સુધીમાં વંથલી પોલીસ સ્ટેશનમાં કોઇ નોંધ ફરીયાદ થઇ નથી.

બનાવ અંગે રેશ્માબેનનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓની સાથે વાતચીત થઇ શકી ન હતી.

એસપી શ્રી સૌરભસિંઘે અકિલા સાથેની વાતચીતમાં બનાવ અંગે તપાસ થઇ રહી હોવાનું જણાવ્યું હતું.

(12:15 pm IST)