સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th April 2018

કેશોદના પંચાળાના સ્‍વામિનારાયણ મંદિરના પુજારી સાધુ કેશવદાસજી સ્‍વામી હરીભક્તની યુવાન પુત્રીને લઇને ફરાર

જૂનાગઢ: જૂનાગઢના જિલ્લાના કેશોદના પંચાળાના સ્વામિનારાયણ મંદિરના પૂજારી સ્વામી એક હરિભક્તની યુવાન પુત્રીને ભગાડી ગયાની ફરિયાદ કરાઈ છે. સ્વામી 10 દિવસ પહેલા હરિદ્વાર જવાનું કહીને જબલપુરની ટ્રેનમાં બેઠા હતા. જ્યારે યુવતી બે દિવસ પહેલા ગુમ થઈ છે. યુવતીના ભાઈએ પોલીસમાં આપેલી અરજીમાં આ સ્વામી પોતાની બહેનને ભગાડી ગયાની આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ લોકો પણ આ સાધુ પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે અને હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પંચાળા ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી ઘનશ્યામચરણદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના પૂજારી સાધુ કેશવજીવનદાસજી સ્વામી (સાધુ બન્યા પહેલાનું નામ સુરેશ મનસુખભાઈ વઘાસીયા) ગત 9મી એપ્રિલે હરિદ્વાર જવાનું કહીને જબલપુર એક્સપ્રેસમાં બેસીને રવાના થયા હતા.

તેમણે જણાવ્યું કે, હરિદ્વાર પહોચીને ફોન કરવાનું તેમણે કહ્યું હતું, પરંતુ હજુ સુધી તેમનો ફોન આવ્યો નથી. એટલું જ નહીં, હરિદ્વાર સ્વામિનારાયણ મંદિરમાં ફોન કરી તપાસ કરતા જાણવા મળ્યું કે, તેઓ હજુ સુધી ત્યાં પહોંચ્યા નથી. વળી, તેમનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે.

બીજી બાજુ મૂળ પંચાળા ગામના અને હાલ કેશોદમાં રહેતા એક હરિભક્તની યુવાન પુત્રી પણ ગુમ છે. આથી તેના ભાઈએ પોલીસમાં અરજી પી છે. જેમાં કેશવજીવનદાસજી સ્વામી પોતાની બહેનને ભગાડી ગયાની આશંકા વ્યક્ત કરી છે. ગત 12મી એપ્રિલે આ અરજી આપવામાં આવી હતી. જોકે, પોલીસે હજુ એફઆઈઆર નોંધી નથી, પણ અરજીના આધારે પૂજારી અને યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(7:54 pm IST)