મામાની અંતિમવિધીમાં રાજકોટથી આવેલ ભાણેજની કાર ડીવાઇડર સાથે અથડાતા મોતઃ મામા-ભાણેજના મોતથી કોડીનાર બ્રહ્મ સમાજમાં ભારે શોક
કોડીનાર, તા. ૧૯ : કોડીનારમાં એક જ દિવસે સેવાભાવી યુવાન તેમજ તેના ભાણેજનું અલગ અલગ માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ નિપજતા ભારે અરેરાટી સાથે શોક પ્રસરી ગયો છે. કોડીનારમાં યુવાન મામા બાઇક અકસ્માતમાં મૃત્યુ પામ્યાની ખબર મળતા જ અંતિમવિધીમાં સામેલ થવા રાજકોટથી પહોંચેલા ભાણેજની કાર ડીવાઇડર સાથે અથડાતા તેનું પણ કરૂણ મોત થયું હતું.
આ અંગેની વિગત મુજબ કોડીનારના સામાજીક કાર્યકર અને સેવાભાવી હર્ષદભાઇ ભટ્ટની મોટર સાઇકલને ગઇકાલે અંબુજા ન્યુનોર્થ કોલોની નજીક અજાણયા ટ્રકે હડફેટે લેતા તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હોય હતભાગીની અંતીમવીધીમાં સામેલ થવા હર્ષદભાઇના ભાણેજ અને રાજકોટ રહેતા નિલેશ પ્રવિણભાઇ જોષી ઉ.વ. ૪પ કાર ચલાવી રાત્રીના ૮ કલાકે કોડીનારના અંબુજા રોડમાં પહોંચતા ત્યાં ડીવાઇડર સાથે કાર અથડાતા નિલેશભાઇને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાતા જયાં તેમનું સારવાર દરમિયાન વ્હેલી સવારે કરૂણ મૃત્યુ નિપજયું હતું. મામા-ભાણેજના મોતથી બ્રહ્મ પરિવારમાં ભારે શોક છવાયો છે.(૮.પ)