સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

કાલે હોલીકા દહનઃ ગુરૂવારે ધુળેટી પર્વની ઉજવણી

દ્વારકા-સારંગપુર સહિત ધાર્મિક જગ્યાઓમાં ફુલડોલ ઉત્સવ-અન્નકુટ સહિતનાં કાર્યક્રમો

ગોંડલની બજારોમાં અવનવી પીચકારીઓ :.. ગોંડલ : હુતાસણી પર્વ નજીક આવતા બજારોમાં રંગે રમવા પીચકારી ખરીદવા બાળકો સાથે વડીલો દુકાનમાં અવનવી પીચકારી તેમજ માસ્કની ખરીદી કરતા નજરે પડે છે. (તસ્વીર - ભાવેશ ભોજાણી ગોંડલ)

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે હોળી અને ગુરૂવારે ધુળેટી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં  આવશે.

કાલે રાત્રીનાં ગામે ગામ હોળી પ્રગટાવવામાં આવશે અને ગામે ગામ હોલીકા દહન કરવામાં આવશે.

જયારે ગુરુવારે રંગપર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે અને બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ એકબીજાને કલર ઉડાડીને ધુળેટી પર્વની ઉજવણી કરશે.

જામનગર

જામનગર : મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે કે તા. ર૦ અને તા. ર૧ ના હોળી, ધુળેટીના તહેવાર હોય, જાહેર રોડ રસ્તાઓ ઉપર ગેરુ-મટોડી કલર-કેમીકલયુકત કલર ઉડાડવાથી રોડ-રસ્તાઓ ઉપર લાંબા સમય સુધી પડયા રહે છે. જેના લીધે વૃધ્ધો, બાળકો, રાહદારીઓ માટે સ્વાસ્થ્યને નુકશાનકારક હોવાથી હોળીના તહેવાર દરમ્યાન જાહેર રોડ, રસ્તાઓ ઉપર કલર ન ઉડાડવા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે.

તેમજ વેપારીઓ-રેંકડીવાળા ધંધાર્થીઓને કેમીકલયુકત કલર, ગેરૂ-મટોડીનું વેંચાણ ન કરવા તાકીદ કરવામાં આવે છે, અન્યથા તેઓના માલને જપ્ત કરવા અને તેની સામે જરૂરી જાહેરનામાના ભંગ બદલ કાયદેસરના પગલા ભરવામાં આવશે.

કેમીકલયુકત કલર કે જે લેડ ઓકસાઇડ, કોપર સલ્ફેટ, મરકયુરી સલ્ફેટ જેવા ટોકસીક પદાર્થોમાંથી બનેલા હોય છે તેના ઉપયોગના લીધે આંખની બિમારી, એલર્જી, અંધત્વ તથા ચામડીના રોગો થવાનો ભય રહે છે. તેથી ઉપરોકત કારણોસર શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જાહેર જનતા દ્વારા ધુળેટીના તહેવાર નિમિતે કેમીકલયુકત કલર તથા ગેરૂ-મટોડી રંગોનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:44 am IST)