સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

સારંગપુરમાં પૂ. મહંત સ્વામી મહારાજનું આગમન

હોળી-ધુળેટી પર્વ ઉજવાશે : ૪ એપ્રિલ સુધી દરરોજ પૂજા-દર્શનનો લાભ આપશે

ભાવનગર, તા. ૧૯ : ભગવાન સ્વામિનારાયણના પદરજથી પાવન થયેલી સારંગપુર એક પ્રાચીન ભૂમિ છે. જયાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંતોએ ઉત્સવ અને સમૈયા ઉજવીને આ ભૂમિને તીર્થત્વ બક્ષ્યું છે. તેમાં પણ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી ઉત્સવો અને સમૈયા ઉજવીને સંતોભકતોને ભકિત રસથી તરબોળ કર્યા હતા. આજે આ જ વારસો પ.પૂ. મહંત સ્વામી મહારાજે જીવંત રાખ્યો છે.

કાલે રાતે ૯ વાગ્યે પ.પૂ. મહંત સ્વામી મહારાજ સારંગપુરના આંગણે પધાર્યા. સંત તાલીમ કેન્દ્રના સંતો, યુવા તાલીમ કેન્દ્રના યુવકો, સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રો, પ્રમુખસ્વામી મહારાજ વિદ્યામંદિરના બાળકો અને આબાલવૃદ્ધ સૌ કોઇ હરિભકતોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરે દર્શન કરવા પધાર્યા હતા. જયાં સારંગપુર મંદિરના કોઠારી પૂ. જ્ઞાનેશ્વરસ્વામીએ સર્વ સંતો-ભકતો વતી ફૂલહાર દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજને વધાવ્યા હતા. તેમના દર્શન માત્રથી સંતો, બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સંતો-ભકતોએ પણ વિશેષ વ્રત-તપ-ઉપવાસ દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજને વધામણી આપી હતી.

પ.પૂ. મહંત સ્વામી મહારાજનું સારંગપુરમાં રોકાણ તા. ૧૮-૩-ર૦૧૯ થી ૪-૪-ર૦૧૯ સુધી રોજ સવારે પ-૩૦ વાગ્યે પૂજા દર્શનનો લાભ આપશે. વિશેષ આવતીકાલે હોળીના દિવસે વિરાટ સ્વયંસેવક સભાનું આયોજન થયું છે. લગભગ ૧૦ હજાર જેટલા સ્વયંસેવકો અને સ્વયંસેવીકાઓ આ ઉત્સવને સફળ બનાવવા માટે રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. મુખ્ય ઉત્સવના દિવસે તેઓને પોતાની સેવામાં ખડે પડે રહેવાનું હોય તેમના માટે એક દિવસ પહેલા પુષ્પદોલોત્સવનું આયોજન થયું છે. જેમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ પધારી આ ઉત્સવમાં તન-મન અને ધનથી સેવા કરનાર સર્વે સ્વયંસેવકોને આશિર્વાદ અપીને લાભાન્વિત કરશે.

ર૧ માર્ચના રોજ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યા મંદિરની બાજુમાં વિશાળ મેદાનમાંઆ ઉત્સવની મુખ્ય સભા થશે જેમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ પધારી ભકતોને પુષ્પદોલોત્સવ દ્વારા લાભ આપશે.

(11:44 am IST)