સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

બેવડી હત્યા કરનાર કચ્છ - ગાંધીધામની યુવતીની ફાંસીની સજા હાઇકોર્ટ દ્વારા રદ્દ

ભુજ તા. ૧૯ :  ગત તા/૧૬/૨/૧૭ ના ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં મંજુ કુંવરિયા એ (દેવીપૂજક) ઘરકામ ના કારણે પોતાને ઠપકો આપનાર માતા રાજીબેન અને સગી બેન આરતી ઉપર નિંદ્રાધીન તલવાર વડે હુમલો કરી તેમની હત્યા નિપજાવી હતી. આ કેસ ગાંધીધામ કોર્ટમાં ચાલી જતા મંજુને બેવડી હત્યાના ગુનામાં ફાંસીની સજા કરાઈ હતી. નિયમ પ્રમાણે ફાંસી ની સજા નો હુકમ મંજૂરી અર્થે હાઇકોર્ટમાં જતા ત્યાં આરોપી મંજુ વતી તેના ભાઈએ હાઇકોર્ટમાં અપીલ કરીને મંજુ માનસિક રીતે અસ્વસ્થ છે એવું જણાવી ફાંસીની સજા રદ્દ કરવા અરજ કરી હતી.

આ કેસ હાઇકોર્ટના બે જજ જે.બી. પારડીવાલા અને એ.સી.રાવ સમક્ષ ચાલતા તેમણે પોલીસ તપાસ, સરકારી વકીલ અને કોર્ટમાં અપાતી લીગલ એઈડ સર્વિસ (મફત કાનૂની સલાહ) ની ટીકા કરીને આ સમગ્ર બનાવમાં નવેસર થી ચાર્જ ફ્રેમ કરી ફરીથી ટ્રાયલ ચલાવવા હુકમ કર્યો હતો.

શ્રી પારડીવાલા અને શ્રી રાવ એ બન્ને જજ ની બેંચે સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યકિત કોર્ટની ભૂલ ને કારણે પરેશાન ન થવી જોઈએ. મંજુના કિસ્સામાં તેની માનસિક અસ્વસ્થતાની દવા ચાલતી હતી. તેવું સ્પષ્ટ તેના પરિવારજનોએ જણાવ્યું છે, તેની નોંધ પણ એફઆઇઆરમાં છે, તે ઉપરાંત મંજુની હાલત વિશે જેની સારવાર ચાલતી હતી તે માનસિક રોગ નિષ્ણાત તબીબ ઉપરાંત જેલ દરમ્યાન સરકારી હોસ્પિટલના માનસિક રોગ નિષ્ણાત તબીબનો મેડિકલ રિપોર્ટ છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, આરોપી મંજુની માનસિક હાલત અસ્વસ્થ છે અને તેણીની દવા પણ ચાલુ હતી. આવા સંજોગોમાં પોલીસ દ્વારા થતી તપાસ માં તેની માનસિક સ્થિતિ અંગેનું તબીબનું સર્ટિફિકેટ મેળવવું જોઈએ. ત્યાં સુધી કેસ આગળ ન વધી શકે. તેને જયારે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરાય ત્યારે તેમને તે હકીકત ધ્યાને લઈને મેડિકલ તપાસ તેમ જ યોગ્ય સારવાર અપાવવી જોઈએ. આરોપી તરફે વકીલની નિમણુંક ન થાય ત્યાં સુધી કેસ ચાલુ ન થવો જોઈએ. જો આરોપી વકીલ ની નિમણુંક કરવા માં અસમર્થ હોય તો તેને સરકારી ખર્ચે યોગ્ય વકીલ મળવો જોઈએ. સેશન્સ ટ્રાયલમાં અનુભવી વકીલ પુરા પાડવા જોઈએ. ૧૯ વર્ષીય ગરીબ અને લાચાર મંજુના કેસમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે તે પોતાના બચાવમાં અનુભવી વકીલ રોકી શકી નથી. તેણે લીગલ એઈડમાંથી વકીલ મેળવ્યા હતા.  ગરીબી, નિરક્ષરતા જેવા કારણસર જયારે આરોપી તેના બચાવમાં યોગ્ય વકીલ ન રોકી શકે ત્યારે કોર્ટે એ જોવું જોઈએ કે આવા આરોપીને સરકારી ખર્ચે લીગલ એઈડ મળે. સેશન્સ કોર્ટમાં હત્યા જેવા બનાવમાં સાક્ષીઓની તપાસ કરવી એ બાળકોના ખેલ નથી.

 આ કેસમાં હાઇકોર્ટના ધારાશાસ્ત્રી ડો. દર્શન વરદાણીની સાથે ભુજના ધારાશાસ્ત્રી આર.એસ.ગઢવી મદદરૂપ બન્યા હતા.

(11:40 am IST)