સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

હળવદ રોટરી કલબ દ્વારા અગરિયા પરિવાર માટે નિદાન સારવાર કેમ્પ યોજાયો

હળવદ, તા.૧૯: મીઠા ઉઘોગમાં કાર્યરત અગરિયા તેમજ સંગલિત કામદારોના પરિવારના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેતુ જી.આઈ.ડી.સિ. વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર ૧૧માં એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેનો વિવિધ પ્રકારના રોગના ૪૬૨ દર્દીઓએ નિઃશુલ્ક લાભ લીધો હતો. આ કેમ્પમાં ચામડીના, આંખોના, દાંતના, હાડકાના, બાળકોના , સ્ત્રી રોગના તેમજ એમ.ડી. ફિજીસીયન વગેરે ડોકટરોએ નિઃશુલ્ક સેવા પ્રદાન કરી હતી.

આ કેમ્પમાં નિદાન તેમજ જરૂરી રિપોર્ટ્સ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા તેમજ દરેક દર્દીઓને તદ્દન વિનામૂલ્યે દવાઓ નમક વિભાગ મારફતે આપવામાં આવી હતી.

આ કેમ્પને હળવદના મામલતદાર વી.કે.સોલંકી દ્વારા દીપ પ્રાગટય બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વહેપારી મહામંડલના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર,પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા હરેન્દ્રસિંહ પરમાર તેમજ મીઠાના ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોજેકટ માટે સ્કૂલના આચાર્ય અને સ્ટાફ મિત્રોનો ખૂબ સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો. કર્મ હોસ્પિટલના ડો. અમિતભાઇ પટેલ અને હોસ્પિટલ સ્ટાફનો પૂર્ણ સહકાર આ કેમ્પમાં સાંપડ્યો હતો.

રોટરી પ્રેસિડેન્ટ રમેશભાઈ ઝાલોરીયા, નરભેરામભાઈ અધારા, ચિનુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, કલ્પેશભાઈ ભોરણીયા અને રોટરીના સભ્યો એ હાજરી આપી હતી. આ પ્રોજેકટને સોલ્ટ ઇન્સ્પેકટર રણજિત કુમાર અને પ્રોજેકટ ચેરમેન રાજેન્દ્રસિંહ રાણા જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો.(૨૨.૩)

(11:35 am IST)