સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાવવા ૫૦ ગામના ખેડૂતો રસ્તા પર ઉતરશે

ગાંધીનગર સુધી પડઘો પાડવા ખેડૂતોને સંગઠિત કરવા ગામડાઓને ઘમરોળતા આગેવાનો

તળાજા, તા.૧૯: શેત્રુંજી જળાશયમાં હાલ પંદર ફૂટ જેટલું પાણી છે. એ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપો તેવી કલેકટરને રજુઆત બાદ હકારાત્મક જવાબ ન મળતા ખેડૂત આગેવનોએ આપેલી રસ્તા રોકો આંદોલનની ચીમકીને સફળ બનાવવા ગામડાઓમાં જઇ ખેડૂતો વધુમાં વધુ જોડાય તે માટે બેઠકો કરી રહ્યા છે. આગેવાનો નો દાવો છેકે પચાસેક ગામડાઓના લોકો જોડાશે.

શેત્રુંજી જળાશય અને કેનાલો નું નિર્માણ ખેડૂતો ને જરૂરિયાત ના સમયે પિયત માટેનું પાણી મળે તેમાટે નિર્માણ થયુ છે. આથી ડાબા અને જમણા કાંઠાના ખેડૂતોને વર્તમાન સમયે પાણીની જરૂર છે આથી પાણી આપવુ જ જોઈએ. કારણકે હાલ પંદરફૂટ જેટલું પાણી છે. એવી વિચારધારા સાથે ખેડૂતોએ પાણી છૂટે તેમાટે કલેકટરને આવેદનપત્ર આપેલ આવેદનપત્રનો કોઈ સકારાત્મક જવાબ ખેડૂતોને ન મળતા આવેદનપત્રમાં જ ઉચ્ચારેલ ચીમકી પ્રમાણે તા.૨૨ ના રોજ રસ્તા રોકો આંદોલનના ભાગ રૂપે ખેડૂત આગેવાનો કમાંડ એરિયાના આશરે પચાસ જેટલા ગામડાઓ ઘમરોલી રહ્યા છે. ગામેગામ ખેડૂતો સાથે બેઠક યોજી ગાંધીનગર સુધી ખેડૂતોનો અવાજ પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ગામડાઓ ઘમરોળતા આગેવનોએ દાવો કર્યો છેકે વર્તમાન સમયે શેરડી, જુવાર, કેળ, ડુંગળી નું વાવેતર છે. ખેડૂતોએ એક પાણ છૂટશે તેવી આશા સાથે વાવેતર કરેલ હતું. આજ ખેડૂતોની હાલત સિંચાઈનું પાણી ન મળતા કફોડી બની છે. આથી ખાસ એવા ખેડૂતો જેમણે વાવેતર કરેલ છે તે ખેડૂતો પાણી આપવાની ઉગ્ર માંગ સાથે સરકાર સુધી લાગણી પહોંચાડવા માટે આંદોલનમાં જોડાવવા ઉત્સાહી બન્યાનું આગેવનોએ જણાવ્યું હતું.

તળાજા તાલુકાના ખેડૂતો અસંગઠિત છે તેવી છાપ છે. અનેક એવા દાખલાઓ છે જે ખેડૂતોના હિત માટેનો પ્રશ્ન હોય તેમ છતાંય ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા ન હોય. ત્યારે આગેવાનોનો એવો પણ સુર છેકે સંઘ શકિત કિલયુગે સૂત્ર માફક વર્તવું પડશે. ભવિષ્યમાં તળાજા ના ખેડૂતો સંગઠિતછે. પોતાની માગ સંતોષવા રસ્તા પર ઉતરી શકે છે. તેવા પ્રયાસો ખેડૂતોના હિત અને ન્યાયો માગણી માટે થઈ રહ્યા છે.

 

(11:30 am IST)