સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

લોકસભાની ટિકિટ માટે ખેંચતાણ સાથે કચ્છ ભાજપમાં 'બળાબળ'ના પારખા

મોરબી - માળીયા - કચ્છના વિશાળ વિસ્તારમાં કામ કરવું પડકારજનક : આંતરિક રાજકારણ ગરમાયું

ભુજ તા. ૧૯ : મોરબી-કચ્છ લોકસભા બેઠક માટે યોજાયેલી ભાજપના નિરીક્ષકોની બેઠક દાવેદારોના બાહ્ય અને આંતરિક રાજકારણને કારણે ચર્ચામાં રહી હતી.ઙ્ગ લોકસભાની એક બેઠક માટે ૪૧ જેટલા રેકર્ડબ્રેકઙ્ગ દાવેદારો એ જો પોતાને ટીકીટ મળે તો ચૂંટણી લડવા તૈયારી દર્શાવી હતી. એક બાજુ નિરીક્ષકોની બેઠક ચાલતી રહી હતી તો બીજી બાજુ કચ્છ ભાજપમાં જૂથબંધી ની આંતરિક 'રાજરમત' ચાલતી રહી હતી. લોકસભાની ચૂંટણી માં આમ તો ભલે ભાજપના ઉમેદવાર નો સીધો જંગ કોંગ્રેસના ઉમેદવાર સામે હોય પણ તે પહેલાં ચૂંટણીની ટીકીટ મેળવવા માટે ભાજપના ઉમેદવારોની આંતરિક લડાઈ ભારે ખેંચતાણભરી રહી હતી. ત્રણેય નિરીક્ષકો રણછોડભાઈ રબારી, બીપીનભાઈ દવે અને વસુબેન ત્રિવેદી સમક્ષ ચૂંટણી લડવા ઉત્સુક દાવેદારો અને તેમના સમર્થકોની રજૂઆતોનો દોર ચાલતો રહ્યો હતો.

એક બેઠકની ચૂંટણી લડવા માટે ઉત્સુક એવા ૪૧ દાવેદારોની રજુઆત માટે ચાલેલી લગભગ ૧૦ કલાકની મેરેથોન બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રણછોડભાઈ રબારીએ પત્રકારોને જયારે કહ્યું કે, તેમને દાવેદારો ની રજુઆત દરમ્યાન કચ્છ ભાજપ માં કયાંયે જુથબંધી દેખાઈ નથી ત્યારે તમામ પત્રકારો હસી પડ્યા હતા, જોકે, નિરીક્ષકો પૈકી કચ્છના પ્રભારી એવા બિપિન દવે નું સૂચક હાસ્ય અને વસુબેન ત્રિવેદીનું મંદમંદ હાસ્ય જોયા બાદ રણછોડભાઈ રબારી પણ મલકયાં હતા. વાત તો એ જ હતી કે, જૂથબંધીની અસર વિશે કોઈએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પણ, મીડિયાએ મુખ્યત્વે ત્રણ જૂથો વચ્ચે આખા દિવસ દરમ્યાન ચાલતા 'બળાબળ'ના પારખાં જોયા હતા. મહિલા દાવેદારની રજુઆત ના સમર્થન માટે દરિયાઈ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એક નેતાએ ભુજના એરપોર્ટ રોડ ઉપર ખાનગી હોટેલમાં બેઠક બોલાવી હતી. તો પૂર્વ કચ્છના એક નેતાએ ભુજની સમાજવાડીમાં કાર્યકરોને એકઠા કરી પૂર્વ કચ્છ, વિકસિત દરિયાઈ પટ્ટીના તાલુકાઓની સાથે ભુજમાં પણ પોતાના સમર્થકો હોવાનો સંદેશ આપ્યો હતો.ઙ્ગ તો, આ બધા વચ્ચે જિલ્લા સંગઠન, સૌરાષ્ટ્ર ને જોડતા વિસ્તારો ઉપરાંત પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના વિસ્તારો તેમજ શહેરના સંગઠનો, યુવા કાર્યકરોએ બધાને સાથે લઈને ચાલનાર પાર્ટી લાઇનના યુવા ઉમેદવારની તરફેણ કરીને પોતાના સમર્થન દ્વારા શકિત પ્રદર્શન કર્યું હતું.

જોકે, કચ્છ ભાજપના નેતાઓની રાજકીય 'હલચલ' તેમજ દાવેદારોની દિવસભરની આ ચહેલપહેલ ઉપર ભાજપના સમર્પિત કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા આગેવાનોની ઝીણી નજર રહી હતી. ઘણા દાવેદરોએ માત્ર બાયોડેટા આપ્યો હતો, તો ઘણા દાવેદારો 'પાર્ટી સહયોગ નિધિ' જેવા સામાન્ય સવાલોમાં મૂંઝાયા હતા. ઘણા પાસે પોતે પાર્ટી માટે મહત્વનું શું કામ કરી શકયા છે, તે વિશેનું પર્ફોમન્સ કે ભવિષ્યનો એજન્ડા પણ નહોતો. 'અનામત' બેઠક હોઈ પોતાનું નસીબ ઝળકી જશે એ આશાએ અથવા તો પોતાની સાથે રહેલા 'જૂથ' ના ઈશારે દાવેદારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી લડવા ઇચ્છતા પાર્ટીના કાર્યકરો પોતાની ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી દાવેદારી નોંધાવી શકે છે. પણ, અંતે તો તેમના નામ ઉપર મંજુરી પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ મારે છે. કચ્છ લોકસભા બેઠક માટે 'સેન્સ' દરમ્યાન આખા દિવસનો રાજકીય માહોલ ગરમ રહ્યો હતો અને હજી પણ એ ઉમેદવારનું નામ ફાઇનલ થાય ત્યાં સુધી આ રાજકીય ગરમી રહેશે.

૧૯/૩ના દિલ્હી મધ્યે નરેન્દ્ર મોદી, અમિત શાહની હાજરીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કચ્છના ઉમેદવારની ચર્ચા કરશે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ, જિલ્લાના મહામંત્રીઓ, ધારાસભ્યોની હાજરી રહેશે. આમ કચ્છ લોકસભા બેઠક ના ઉમેદવાર માટે નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહની નજરમાંથી ઉમેદવારે ખરા ઉતરવાનું રહેશે.

(11:28 am IST)