સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

હાય હાય યે મજબૂરી

અમરેલી પંથકના ખેડૂતો વરસાદના અભાવે ગટરના પાણીથી કરશે પાકનું વાવેતર : વૈજ્ઞાનિકોએ ધરી લાલબત્તી

સાવરકુંડલાના ખેડૂત સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા પાણીનો ઉપયોગ કરી ૪ પાકનું વાવેતર કરે છે : આવક વધી

રાજકોટ તા. ૧૯ : ભારતીય કૃષિ વરસાદ પર આધારિત છે. વરસાદ ન થાય અને સિંચાઇની કોઇ સુવિધા ન હોય તો મજબુરીમાં ખેડૂતોને શું કરવું પડે છે તેનો એક કિસ્સો અમરેલી પંથકમાં જોવા મળ્યો છે.

ગત વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે આ વર્ષે પાણીની તંગી સર્જાતા અમરેલીના ખેડૂતો ગટરના પાણીથી ખેતી કરવા માટે મજબૂર બન્યા છે, ખેડૂતો બે હજાર વીઘા જેટલી જમીનમાં ગટરના પાણીથી પાકનું વાવેતર કરશે. આશ્ચર્યની વાત એ છે કે પહેલા કરતા આ વર્ષે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોને આશંકા છે કે જો તેઓ ખેતી કરવા માટે ગટરના પાણીનો ઉપયોગ કરતા રહેશે તો પાકમાં રોગજનક બેકટેરિયા વધશે.

અમરેલીના સાવરકુંડલામાં રહેતા બશિર ઝાકુડા (૨૨) સાવરકુંડલા સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતાં પાણીનો ઉપયોગ કરી વર્ષમાં ૪ પાકનું વાવેતર કરે છે. તે અને તેમના ગામના અન્ય ખેડૂતો પણ છેલ્લા એક વર્ષથી આ પાણીનો ઉપયોગ કરી વર્ષ દરમિયાન ચાર પાકની ખેતી કરે છે.

બશિર સિંચાઈના પાણી માટે પોતાના ખેતરમાં એક કૂવો બનાવવા માગતો હતો, જો કે તેને બેંક તરફથી લોન ન મળતા તેણે નજીકના નાળામાંથી ગટરના પાણીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તેણે ૧૦ ફૂટ ઊંડો ખાડો કરી તેમા પાણીનો નિકાલ કર્યો. ખાડામાં જમા થતા પાણીને તે ડીઝલ પમ્પ દ્વારા ખેતર સુધી પહોંચાડે છે.

બશિરે કહ્યું કે, 'ગટરના પાણીનો ઉપયોગ કરી એક વર્ષમાં હું ચાર પાક ઉગાડુ છું, જે મને પહેલા કરતાં સારી ઉપજ પણ આપે છે. ત્રણ વર્ષ પહેલા ખેતી માટે અમે માત્ર વરસાદ પર જ આધાર રાખતા હતા. ત્યારે અમારી વાર્ષિક આવક માંડ ૭૫ હજાર રૂપિયા જેટલી હતી. પરંતુ આ પાણીનો ઉપયોગ કરીને અમે હવે વર્ષના ૪ લાખ રૂપિયા સરળતાથી કમાઈ લઈએ છીએ.'

બશિર શાકભાજી, કપાસ, ઘઉં અને મકાઈ એમ ચાર પાકની ખેતી કરે છે. બશિરના આ પ્રયોગથી આજુબાજુના ખેડૂતોને પણ પ્રેરણા મળી. બશિર પાસે ખેતર ધરાવતા કનુ સાગડ પણ પોતાની ૬૦ વીઘા જમીનમા ખેતી કરવા માટે ગટરના પાણીનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે, 'મને પહેલા કરતા સારૂ પરિણામ મળ્યું છે. હવે બીજા ખેડૂતોની કુલ મળીને બે હજાર વીઘા જમીનમાં પણ આ પાણીથી ખેતી કરાશે.'

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન અમરેલી એગ્રિકલ્ચર કોલેજના એગ્રિકલ્ચર કેમેસ્ટ્રી અને સોઈલ સાયન્સના પ્રોફેસેર બી.બી. કુંજડિયાએ જણાવ્યું કે, 'હવે ખેડૂતો ગટરના પાણીનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે, જો કે તે યોગ્ય નથી. કારણ કે આવા ગંદા પાણીમાં ભારે ધાતુ અને રોગકારક બેકટેરિયા હોય છે, જે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતાને અને માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જેની અસર સ્વાસ્થ્ય પર થાય છે.'

એવા ઘણા કેસો સામે આવ્યા છે જયાં નાગરિક સંસ્થાઓ સિંચાઈ માટે ખેડૂતોને ગટરનું પાણી વેચી રહ્યા છે, કૃષિ વૈજ્ઞાનિકો આવી વ્યવસ્થાનો વિરોધ કરે છે. વર્ષ ૨૦૧૪માં મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાં આવા જ એક કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ખેતરમાં ઉભેલા તમામ પાકનો નાશ કરવા માટે આદેશ આપ્યો હતો.

(10:20 am IST)