સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th February 2020

વિડીયો આલ્બમ ''જાગ ને જાદવા''નું કાલે જુનાગઢમાં પૂ.મોરારીબાપુના હસ્તે વિમોચન

કવિ નરસિંહ મહેતાના પદો મનહર ઉધાસના કંઠે તૈયાર થયેલ

રાજકોટ,તા.૧૯: કવિ નરસૈયાની પદોના મનહર ઉધાસના કંઠે તૈયાર થયેલ વિડીયો આલ્બમ ''જાગને જાદવા''નું નરસિંહ મહેતાની ભૂમી જુનાગઢમાં આવતીકાલે તા.૨૦ના ગુરૂવારે મોરારીબાપુના હસ્તે વિમોચન કરવામાં આવશે.

ચોરવાડના ડી.કે.ગ્રુપ ગીર સોમનાથના દીપક કકકડે જણાવેલ હતું કે મનહર ઉધાસના સ્વરના ગવાયેલા નરસિંહ મહેતાના પદો ''જાગને જાદવા'' આલ્બમનું વિમોચન કથાકાર પૂ.મોરારીબાપુના વરદ હસ્તે થાય તેવી યજમાન પરીવારે ઈચ્છા વ્યકત કરતાં તેઓએ અનુમતી આપી હતી.

જાગને જાદવા તુજ વિના ધેનમાં ગાયો કોણ ચારશે? વૈષ્ણવજનતો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, જાગીને જોઉ તો, ભુતળ ભકિત પદારથ, જે ગમે જગતગુરૂ, જળકમળ છાંડી જાને બાળારે જેવા ગુજરાતી ભકિત સંગીતમાં તથા લોક જીવનમાં વણાઈ ગયેલા ભકત કવિ નરસૈયાના પદોને લોકપ્રિય ગાયક મનહર ઉધાસના સ્વરાંકન સાથે તૈયાર થયેલ વીડીયો આલ્બમનું કાલે તા.૨૦ને ગુરૂવારે મોરારી બાપુના હસ્તે લાલધોરી ગીરનાર તળેટી જુનાગઢમાં વિમોચન થશે. ત્રણ વર્ષની જહેમત બાદ આ આલ્બમ તૈયાર કરવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.

અત્રે નોંધનિય છે કે મનહર ઉધાસે અત્યાર સુધીમાં નામાંકીત શાયરોની રચના સ્વર આપી ૩૫ ગુજરાતી આલ્બમો બહાર પડેલ છે. જીતેન્દ્ર, અમીતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સંજય દત્ત, જેકી શ્રોફ, દીલીપ કુમાર, સન્ની દેઓલ સહીતના બોલીવુડના પ્રખ્યાત કલાકારો માટે પોતાના સ્વરમાં ગીતો ગાયેલા છે દરવર્ષે સાંઈબાબાના ભજનનો આલ્બમ પણ બહાર પાડે છે. મુળ સૌરાષ્ટ્રના ગોંડલના ચરખડી ગામના સંગીતકાર ગઝલકારે વિશ્વભરમાં નામના મેળવેલ છે.

(3:35 pm IST)