મોરબી જીલ્લામાં ઉત્કૃષ્ટ સેવા આપનાર પોલીસ કર્મીઓના એસપીના હસ્તે સન્માન
મોરબી,તા.૧૯: જીલ્લામાં ઉત્કૃષ્ટ સેવા આપીને પોલીસ પરિવારનું ગૌરવ વધારનાર ત્રણ પોલીસ કર્મચારીનું જીલ્લા એસપીના હસ્તે સન્માન કરાયું હતું સાથે જ મેડીકલ ક્ષેત્રે પોલીસ પરિવારના ચાર સંતાનોએ કરેલી પ્રગતિને પણ બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબી એસપી કચેરીમાં પીએ તરીકે ફરજ બજાવતા રણજીતભાઈ ગઢવીને ઉત્કૃષ્ટ સેવા પદક તેમજ ટંકારામાં જીવના જોખમે બાળકીનો જીવ બચાવનાર લોકરક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજાને જીવન રક્ષક પદક એનાયત કરવામાં આવ્યો હતો જયારે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકાબેન ભૂતે સતત ત્રણ વર્ષ સુધી ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ચેમ્પિયન બનીને તેમજ ડીજીપી એથલેટીકસ કપમાં પણ વિજેતા બનીને મોરબી પોલીસને ગૌરવ અપાવ્યું છે.
જે પોલીસ કર્મચારીઓએ મોરબી પોલીસનું ગૌરવ વધારવા ઉપરાંત મોરબી જીલ્લા પોલીસના કર્મચારીઓ રમણીકભાઈ, હરીશભાઈ, વિનોદભાઈ અને કાનજીભાઈના પુત્રોએ મેડીકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી હોય અને પોલીસ પરિવારના દીકરાઓ ડોકટર બન્યા છે ત્યારે તમામનું જીલ્લા એસપીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું .