સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

વિરપુરના રબારીકાના મહિલા તલાટી મંત્રીને ધમકી આપી જાતિય સતામણી કરનાર બે શખ્સો સામે ફરીયાદ

મારા ભાઈને માહિતી કેમ ન આપી ? તેમ કહી ઉપાડી જવાની ધમકી આપી બાદમાં મહિલા તલાટી મંત્રીનું બાઈક રોકી સતામણી કરીઃ ઉમેદ અને અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૯ :. વિરપુરના રબારીકા ગામે ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રીને બે શખ્સોએ ધમકી આપી જાતિય સતામણી કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રબારીકામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતી યુવતીએ આરોપી ઉમેદ વિરાભાઈ લાલુ રહે. રબારીકા તથા એક અજાણ્યા શખ્સ સામે વિરપુર પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ઉમેદ તથા એક અજાણ્યા શખ્સે ફરીયાદી બહેનને ધમકાવી 'મારા ભાઈને માહિતી શા માટે આપી નથી' તેમ કહી અભદ્ર શબ્દ બોલી વિરપુરથી ઉપાડી જઈશ તેવી ધમકી આપી હતી અને બાદમાં ફરીયાદીની પાછળ જઈ ફરીયાદીના બાઈક આગળ આરોપીએ પોતાનું બાઈક આડુ રાખી અવરોધ કરી ફરીયાદીની જાતીય સતામણી કરી હતી.

આ ફરીયાદ અન્વયે વિરપુર પોલીસે ઉકત બન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો છે. વધુ તપાસ પી.એસ.આઈ. આર.એલ. ગોયલ ચલાવી રહ્યા છે.

(4:05 pm IST)