સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

કોઠારી પાળેશ્વર મહાદેવ મંદિરે કચ્છી ભાષામાં શ્રીમદ પાવનપ્રજ્ઞા પુરાણ કથા સંપન્ન

ભાવનગર તા.૧૯ : ગાયત્રી શકિતપીઠ નલિયા તથા ગાયત્રી પરિવાર મહિલા શાખા કોઠારા દ્વારા સમાજના કલ્યાણ ઉત્કર્ષ અંતર્ગત સત્સંગ શ્રૃંખલાના માધ્યમથી પાંચ દિવસીય પાવન પ્રજ્ઞા પુરાણકથા કચ્છી ભાષામાં યોજાયેલ. પ્રથમ દિવસે ગાયત્રી પરિવારના કાર્યકર જીતેન્દ્રભાઇ લાલજીભાઇ શાહના નિવાસસ્થાનેથી પોથીયાત્રા પ્રારંભ થઇ કથા મંડપ સુધી પહોચી હતી.

પાવનપ્રજ્ઞા પુરાણ કથાનું દિપપ્રાગટય બ્રહ્માકુમારી દિવ્યાબેન,દક્ષાબેનએ કરેલ. કચ્છી ભાષામાં વકતા દ્વારા પાવન પ્રજ્ઞા પુરાણ કથાનુ મહત્વ પ્રારંભ તેમજ મંગલાચરણ પણ કચ્છીમાં જે કચ્છી ભાષાના આવનાર દિવસો ભાષા માટે સમૃધ્ધ હશે તેમજ રામાયણના રામ રાવણ યુધ્ધમાં અમર સેનાને ઉતારવાની યોજના અને હનુમાનજી દ્વારા રામપ્રત્યે ભકિત દ્વારા અમરસેનાને આકાશમાર્ગે લઇ જવી, ગુરૂ ભકિતના દર્શન, શુકદેવજી દ્વારા પરિક્ષીત રાજાનુ મોક્ષ, પરિવાર ખંડમાં પરિવારમાં માતા પત્ની બહેન તેમજ દિકરી વ્હાલનો દરિયો ખૂબ જ કરૂણ શૈલીમાં રજૂ કરેલ તેમજ ગુરૂ પરંપરાનું મહત્વ પોતાની લાક્ષણીકઅદાથી વર્ણવ્યુ હતુ.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કચ્છી સાહિત્યકાર કાનજીભાઇ મહેશ્વરી રખીયો ગાંધીધામથી પધારેલ જેમાં કચ્છી ભાષામાં પાવનપ્રજ્ઞા પુરાણના વકતા દ્વારા ગામડે ગામડે આમ જનતા સુધી પોતીકી બોલીમાં પ્રયાસની સરાહનીય પ્રશંસા કરી પોતાનો ભાવ રજૂ કરી રાજીપો વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે પોસ્ટલ પેન્શનર એશો. પ્રમુખ ધર્મેન્દ્રભાઇ મહેતા, ઉપપ્રમુખ ડી.પી.ગુસાઇ (રીટા એસ.પી.સાહેબ), કે.જે.જાડેજા, ગાયત્રી પરિવારજન (માધાપર) દિપકભાઇ ઠકકર ગાયત્રી પરિવાર વર્માનગર, ટપુભા જાડેજા (ગાયત્રી શકિતપીઠ નખત્રાણા), હાજર રહી કથા આયોજનની પ્રશંસા કરી હતી. ગાયત્રી શકિતપીઠ (નળીયા)ના મેનેજીંગ ટ્રસ્ટી હરેશભાઇ આઇયા (કથા સંયોજક) લહેરીભાઇ સોલંકી, જીતેન્દ્રભાઇ શેઠ, કેશુભા જાડેજા, દરિયાલાલ ગોસ્વામી (કોબ્રા જાદુગર) વિનુભાઇ મોઢ, જીતુભાઇ મારાજ, કિશોરભાઇ અબોટી, શામજીભાઇ ઠકકર, રમેશભાઇ ઠકકર, કિશોરભાઇ મોતા, દામોદરભાઇ ઠકકર વગેરેએ કથા પ્રસંગને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

વકતા શ્રી શિવજીભાઇ મોઢ શિવનું સન્માન ગાયત્રી સંસ્થાના કાર્યકરો દ્વારા મોમેન્ટો શાલ દ્વારા તેમજ કોઠારા લોહાણા સમાજ દ્વારા શાલથી સમાજના પ્રમુખ પ્રાણજીવનભાઇ ઠકકર દ્વારા કરાયુ હતુ. વકતા દ્વારા સ્થાનીક જી.ટી.હાઇસ્કુલ, કોઠારા ગ્રુપ શાળા, કોઠારા કન્યાશાળામાં વિદ્યાર્થીને ઉપયોગી માહિતી જેવી કે ગુરૂ શિષ્ય સંબંધ, વ્યસન મુકિત તેમજ રાષ્ટ્ર ભકિત વિશે વકતવ્ય આપી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.(૪૫.૯)

(11:47 am IST)