સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

કાલથી જેતપુરના શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન તિર્થધામનો ૮૦મો વાર્ષિક પાટોત્સવ

શ્રીમદ્દ સત્સંગીજીવન પંચાહ પારાયણઃ પૂ. નિલકંઠચરણદાસજી સ્વામીની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો

  જૂનાગઢ તા.૧૯: સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ગૌરવવંતુ અને મહિમાવંત સ્થાન એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન તિર્થધામ જેતપુર.

મંદિરના મુખ્ય કોઠારી શ્રી નિલકંઠ ચરણદાસજીએ જણાવ્યું હતું કે અહિયા સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતો માટે પોતાના ગુરૂ રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યા ત્યારથી આ સ્થાન વરદાનભૂમિ તરીકે પ્રસિદ્ધ થયું છે.

આવા મહિમાવંત સ્થાનમાં સૌપ્રથમ સદ્દ્ગુરૂ ગુણાતીતાનંદ સ્વામીએ હરિમંદિર બનાવેલ ત્યારબાદ તેમના શિષ્ય સદ્દગુરૂશ્રી બાલમુકુન્દ દાસજી સ્વામીએ એકશિખરનું મંદિર બંધાવ્યું ત્યારપછી સદ્દગુરૂ હરિકૃષ્ણદાસજી સ્વામી આ હોલમાં જે સાત શિખરના દર્શન થાય છે તે મંદિર બંધાવી તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનસહિત ધર્મકુળની પ્રતિષ્ઠા કરેલ આવા પ્રસાદીભુત ગાદી સ્થાનમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણનો ૮૦મો વાર્ષિક પાટોત્સવ તા. ૨૦ને બુધવારથી તા. ૨૪ને રવિવાર સુધી પ.પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદથી ગુરૂવર્યશ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવશે.

આ પ્રસંગે ભગવાનશ્રી સ્વામિનારાયણ ના ચરિત્રોથી સભર ગ્રંથરાજ શ્રીમદ્દ સત્સંગિજીવન ગ્રંથપંચાહ પારાયણ દરરોજ સાંજે ૪ થી ૭ રાત્રે ૯ થી ૧૨ યોજાશે જેમાં પુ. નિલકંઠચરણ દાસજી સ્વામી અને વિવેકસાગર દાસજી વકતા પદે બિરાજી સંગીતની સુરાવલી સાથે કથાર્વાતાનો લાભ આપશે.

તા. ૨૦ને બુધવારે સાંજે ૪.૩૦ કલાકે સંતો દ્વારા દિપ પ્રાગટય સાથે પારાયણનો પ્રારંભ થશે અને તા. ૨૦ થી ૨૩ સુધી દરરોજ સવારે ૭ થી ૧૨ મહામંત્ર ધુનના તા. ૨૧ના રાત્રે ૧૦ કલાકે ઘનશ્યામ જન્મોત્સવ તા. ૨૩ને શનિવારે સાંજે ૪.૩૦ કલાકે આચાર્ય મહારાજશ્રીનું આગમન થશે સાંજે ૫ કલાકે જળયાત્રા રાત્રે ૧૦ કલાકે પદાભિષેક તા. ૨૪ને રવિવારે સવારે ૬ થી ૭ અભિષેક દર્શન અને ૮ કલાકે પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ખાતમુહુર્ત બપોરે કથાપૂર્ણ થશે.(૧.૪)

 

(11:46 am IST)