સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

રતનપરમાં જીતેન્દ્ર પટેલ પર જુના પડોશીનો મોડી રાત્રે પાઇપથી હુમલોઃ કારમાં તોડફોડ

અગાઉના ધંધાખારને લીધે ગિરીરાજસિંહ, રાજેન્દ્રસિંહ અને મુન્નો પટેલ નશો કરીને આવી ધમાલ મચાવી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પરના રતનપરમાં હર્ષિલ ટાઉનશીપમાં રહેતાં અને ટાઇલ્સના માર્કેટીંગનું કામ કરતાં જીતેન્દ્ર મનસુખભાઇ જાકાસણીયા (ઉ.૩૨) નામના કડવા પટેલ યુવાન પર મોડી રાત્રે એકાદ વાગ્યે મુંજકાના ગિરીરાજસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ જાડેજા અને મુન્ના પટેલે ઘરે આવી તલવાર-ધોકાથી હુમલો કરી હાથ-પગ અને પેટમાં ઇજાઓ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદીએ જાણ કરતાં કુવાડવા પોલીસ મથકના હમીરભાઇએ તેની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. જીતેન્દ્ર પટેલના કહેવા મુજબ અગાઉ પોતે મુંજકા આવાસ કવાર્ટરમાં રહેતો અને ત્યાં સામે જ ગિરીરાજસિંહ સોઢા રહેતા હોઇ બંને વચ્ચે તે વખતે ધંધાકીય બાબતે માથાકુટ થઇ હતી. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી રાત્રીના ગિરીરાજસિંહ સહિત ત્રણેય જણા ચિક્કાર નશો કરીને ઘરે આવ્યા હતાં અને હુમલો કરી કારમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(11:35 am IST)