સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

અમરેલીના નવા ઉજળાની સીમમાં પતંગ ચગાવવા જતા કૂવામાં પડી જતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૯ :. વડિયાના નવા ઉજળા સીમમાં હંસારામ અનિલભાઈ મુજલેહ પતંગ ચગાવતા રમતા રમતા અકસ્માતે કૂવામાં પડી જતા મોત નિપજયાનું પિતા અનિલભાઈ મુજલેહે વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

આપઘાત

અમરેલીમાં રહેતી ધરતીબેન નામની યુવતીએ સાગર સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને સાસરીયામાં રહેવા જતા સસરા સુનિલ જમનાદાસ પોપટ, સાસુ શોભનાબેન સુનિલભાઈ પોપટ તેમજ મામાજી સસરા ગીરીશ અને શૈલેષે ખોટી રીતે અવારનવાર ત્રાસ આપી મેણા મારી મરી જવા માટે મજબુર કરતા ગળાફાંસો ખાઈને મૃત્યુ પામતા પિતા શિવમભાઈ ગોસાઈએ સાસરીયાઓ સામે મરી જવા માટે મજબુર કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માર માર્યો

બહારપરામાં સમીરભાઈ અબ્દુલભાઈ બોળાતર (ઉ.વ.૧૭) દાતારબાપુની દરગાહે સલામ ભરવા માટે ગયેલ હોય. જે મનદુઃખ રાખી સારૂ નહીં લાગતા ગનીભાઈએ લાકડી વડે માર માર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

લાપત્તા

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થયાનું પિતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મારમાર્યો

સાવરકુંડલામાં વિનુભાઈ ઉર્ફે બાદશાહ નાથાભાઈ કુડેચા (ઉ.વ. ૪૦)ના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ લાખા ઘોહા ચકરાણીએ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જીવલેણ હુમલો

ખાંભા તાલુકાના પાટી ગામની સીમમાં અરવિંદભાઈ જીવરાજભાઈ સુહાગીયા નામના પ્રૌઢની વાડીએથી મુળ ફાટસર હાલ નેસડી રહેતા મનો ઉર્ફે મનસુખ લાકડા તેમજ બોર લઈ ગયેલ હતો. તે બાબતે ઠપકો આપતા મનદુઃખ રાખી માથામાં લાકડી વડે જીવલેણ ઈજા કરી હેમરેજ કરી નાસી ગયાની પત્નિ વિમળાબેને ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે.

પાઈપ ઝીંકી

ઢસા આંબરડી ચામુંડાપરામાં અનિલભાઈ બકુલભાઈ મકવાણા (ઉ.વ. ૩૫) તેમના કાકાના પ્લોટમાં મકાનના ચણતરમાં પાણી પાતા હોય. જેથી સારૂ નહીં લાગતા વિજય સોમા જાદવ, રમેશ છગન ડાભી, મંગુબેન સોમાભાઈ જાદવે 'તારે અહીં નહીં આવવું' તેવુ જણાવી ગાળો બોલી પાઈપ વડે માર માર્યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:55 pm IST)