સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

કાલે વિજયભાઇના હસ્તે શિવરાજપુર બીચ બ્યુટીફિકેશનનું ખાતમુહુર્ત

કુદરતી પ્રકૃતિ -સાંદર્યનો અદ્ભૂત નજારો-દરિયાઇ જીવસૃષ્ટિના જીવંત દૃશ્યો સાથે આકર્ષણરૂપ

(વિનુ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૯ : ગુજરાતના સોળસો કિ.મી.ના સમુદ્ર કિનારે દેવભૂમિ દ્વારકાના શિવરાજપુરના એક માત્ર રાજયના બીચને બ્લુ ફલેગનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતાની સાથે જ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા બીચ ઉપર માળખાકીય સુવિધા અને બ્યુટીફિકેશન અને બીચ જાળવણીની વ્યવસ્થા માટે તૈયારીઓ શરૂ થઇ છે. તા. ર૦ જાન્યુઆરીના દિને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી શિવરાજપુર ખાતે આવી રહ્યા છે.

દ્વારકા યાત્રાધામથી દશ કિ.મી. દૂર ઓખા દ્વારકા હાઇવે માર્ગો પર આવેલ શિવરાજપુર બીચ હાલ સમગ્ર વિશ્વના નકશામાં છવાઇ ગયો છે.

ગુજરાત રાજયના પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી બીચના માર્કેટીંગ તથા બ્લુ ફલેગ ખાતે અથાગ પ્રયત્નો રાજય પ્રવાસન  પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યા હતા જેને ફળશ્રૃતિ પ્રાપ્ત થઈ છે.

તા. ૨૦ જાન્યુઆરીના દિને મુખ્યમંત્રી રૂપાણી શિવરાજપુર ખાતે અંદાજીતરૂ. ૨૦૦ કરોડના પ્રથમ તબક્કાના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરે તેવી શકયતા છે. જેમાં શિવરાજપુર ખાતે પ્રવાસીઓ માટે ગાર્ડન, રસ્તાઓ, પાર્કિંગ, આધુનિક સુંદર પ્રવેશદ્વાર તથા વોશરૂમ જેવી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની યોજનાને પ્રથમ અગ્રતા આપીને શિવરાજપુરના બીચ વિકાસનો કાર્ય પ્રારંભ થનાર છે.

ઉપરોકત કાર્યક્રમ માટે જીલ્લાનું વહીવટી તંત્ર તથા પ્રવાસન વિભાગની ગતિવિધિ તૈયારીના ભાગરૂપે વધુ તેજ બની હોવાનું જણાય રહ્યુ છે.

દ્વારકા યાત્રાધામના વિકાસની સાથે સાથે બેટ દ્વારકા ટાપુ ઉપર સેવા સૂત બ્રીજનું રૂ. ૯૦૬૨ કરોડના ખર્ચ કાર્ય ચાલી રહ્યુ છે, ત્યારે શિવરાજપુરના વિકાસ માટે આવનારા સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એકાદ હજાર કરોડના ખર્ચ વિકાસ કરનાર હોવાનું જાણવા મળે છે. કુદરતી પ્રકૃતિ અને સૌંદર્યના અદભૂત નજારો તથા દરીયાઈ જીવસૃષ્ટિના જીવંત દર્શન સાથેનો આ બીચ પ્રવાસનનું દેશ-દુનિયામાં આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારકાના હેલીપેડ ઉપર લેન્ડીંગ કરીને સીધા મોટર માર્ગે સીધા શિવરાજપુર જશે ત્યાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરી બીચનું જાત નિરીક્ષણ કરી પ્રવાસનના અધિકારી ગણ સાથે ચર્ચા કરશે. આ પ્રવાસમા પ્રવાસન મંત્રી જવાહર ચાવડા તથા પ્રવાસનના સેક્રેટરી તથા જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના અને પ્રાંત નિહાર બેટારીય વિગેરે જોડાશે.

(11:51 am IST)