સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

મોરબી રોડ સીટી સ્ટેશન પાસે ઉત્તર પ્રદેશના યુવાન સંદિપની ઝાડમાં લટકતી લાશ મળી

ગુડગાંવ રહેતાં બનેવીએ ફોનમાં કહ્યું- સાળો સંદિપ રાજકોટ એકલો રહેતો'તોઃઆપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસ

તસ્વીરમાં યુવાનનો લટકતો મૃતદેહ અને ઘટના સ્થળે કાર્યવાહી માટે પહોંચેલી પોલીસ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ સીટી સ્ટેશન પાસે એક યુવાનની સવારે ઝાડમાં લટકતી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. મૃતક યુવાન પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. તેમાં તેનું નામ સંદિપ તથા માતાનું નામ રામ કટોરી લખેલુ હતું. યુવાને કોઇ કારણોસર આપઘાત કર્યાના તારણ પર પોલીસ પહોંચી છે.

ઝાડમાં લાશ લટકતી હોવાની કોઇ નાગરિકે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ. અશ્વિનભાઇ રાઠોડ, મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. યુવાને ઝાડમાં મફલર બાંધી ફાંસો ખાઇ લીધાનું જણાયું હતું. પોલીસને મૃતકના બનેવી વિરસીંગનો ફોન નંબર મળતાં તેણે   વિગતો આપતાં જણાવ્યું હતું કે સંદિપના પિતાનું નામ માનસરોવર દોરી છે. સંદિપ ત્રણ ભાઇમાં મોટો હતો. સંદિપના પિતા માનસરોવર અને માતા રામકટોરી તથા બીજા ભાઇઓ ઉત્તરપ્રદેશના ઇટાવા બાકેવાર, આંબેડકરનગર-૩૯માં રહેતો હતો.

સંદિપના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. પત્નિ વતન યુપીમાં છે. સંદિપ લાંબા સમયથી રાજકોટ રહી મજૂરી કરતો હતો.   તે કોઇ મહિલા સાથે રહેતો હોવાની માહિતી પણ તેના બનેવીએ ટેલિફોનીક વાતચીતમાં જણાવી હતી. સંદિપ રાજકોટમાં કયાં રહેતો હતો? શા માટે આપઘાત કર્યો? તેના બનેવીએ કહ્યું એ મહિલા કોણ? કયાં રહે છે? તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે.

(11:50 am IST)