સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th January 2018

બરવાળામાં અંબાજીધામના ૨૦માં પાટોત્સવનો કાલથી પૂણ્યભીનો પ્રારંભઃ ૩ દિ' ગવાશે ગુણગાન

શતચંડી યજ્ઞ, અભિષેકાત્મક મહારૂદ્ર સહિતના ધર્મમય કાર્યક્રમોઃ શ્રધ્ધાળુઓ 'ભકિત'માં બનશે લીન

ભાવનગર, તા. ૧૯ :. બરવાળા ઘેલાશાના સુપ્રસિદ્ધ શ્રી અંબાજી ધામનો ૨૦મો પાટોત્સવ શ્રદ્ધા અને ભાવભેર આવતીકાલે તા. ૨૦ થી ૨૨ એમ ત્રણ દિવસ સુધી ઉજવાશે. જેમાં શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારૂદ્રમાં શ્રધ્ધાળુઓ માતાજીની ભકિતમાં લીન બનશે.

અત્રે નોંધનીય છે કે, વતનપ્રેમી વણિક-બાબરીયા પરિવારના મોભી વૃજલાલ પોપટલાલ બાબરીયાના સંકલ્પ અને ભાવથી બરવાળામાં અંબાજી મંદિરનું નિર્માણ કરીને અર્પણ કરાયા બાદ પ્રતિ વર્ષ નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે લોકપયોગી કાર્યો અને સામાજીક જાગૃતિ માટે મહોત્સવ ઉજવાય છે.

નવાઈની વાત એ છે કે, વ્યાપાર ધંધા અર્થે મુંબઈ સ્થાયી થયેલા કિરીટભાઈ, રાજેશભાઈ, પંકજભાઈ અને મહેશભાઈ તથા પરિવારજનો નવરાત્રી અને પાટોત્સવમાં આવવાનું કદી ચુકતા નથી. માતાજીના દર્શનાર્થે ભાવિકોનો પ્રવાહ પ્રતિદિન વધતો રહે છે. ૨૦માં પાટોત્સવ પ્રસંગે પેટલાદવાળા મેહુલભાઈ શાસ્ત્રીજીના આચાર્ય પદે ત્રિ-દિવસીય શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારૂદ્રનું આયોજન કરાયુ છે. જેમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિવિધ હવનીય દ્રવ્યોની આહુતિઓ અપાશે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશનીનો શણગાર કરવામાં આવશે.

(11:21 am IST)