સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th October 2019

મોરબીમાં આખલાએ પાટુ મારતા સગીરાનુ મોત

રાજકોટ તા.૧૮: શહેરના મોટા ભાગના માર્ગો ઉપર રઝળતા ઢોર જોવા મળે છે અને અવારનવાર લોકોને ઢોર હડફેટે લેતા હોય છે જેથી નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે આવી જ રીતે સરદાર એપાર્ટમેન્ટ પાસેથી જઇ રહેલી સગીરાને એક આખલાએ હડફેટે લીધી હતી જેથી તેને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રાઘવ સોસાયટીમાં રહેતી તૃષાબેન પ્રેમજીભાઇ ઘેટીયા નામની સતર વર્ષની યુવતી સરદાર એપાર્ટમેન્ટ પાસેથી જઇ રહી હતી ત્યારે આખલાએ પેટના ભાગે તૃષાબેનને પાટું માર્યુ હતું. જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલે ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જો કે, સારવાર કારગત નહી નીવડતા તૃષાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે જેથી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

વીંછી કરડતા મોત

માળીયા તાલુકાના નાની બરાર ગામે રહેતા પુનિતાબેન ચંદુભાઇ ચાવડા (ઉ.વ.૩૫)ને બે દિવસ પહેલા પગમાં વિંછી કરડ્યો હતો જેથી તેને મોરબી સારવારમાં લઇ આવ્યા હતા અને અહીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ છે માટે માળીયા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

(4:14 pm IST)