સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th October 2019

હળવદ નજીક વાહન ચેકીંગમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર ૪ની ધરપકડ

પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી હળવદના ચારેય શખ્સોના સીન વિંખી નાંખ્યા

મોરબી તા.૧૮ : માળીયા હાઇવે હળવદ મોરબી ચોકડી પર એલસીબી અને સ્થાનિક પોલીસના  વાહન ચેકિંગ દરમિયાન ચારયુવાનોને બાઇક લઇને સીન નાખવાનું ભારે પડયું હતુ. પોલીસ સાથે ગાળો બોલીને ઝપાઝપી કરતા પોલીસે આ ચારેય યુવાનોને તાકીદે ઝડપીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી સ્ટાફ અને સ્થાનિક પોલીસ સ્ટાફ ગત રાત્રે માળીયા હાઇવે હળવદ મોરબી ચોકડી પર વાહન ચેકિગ કરી રહયો હતો તેદરમિયાન હળવદ રહેતા મેહુલભાઇ રમણીકભાઇ ગોઠી (ઉ.વ.૩૦) ચિંતનભાઇ જીતેન્દ્રભાઇ રાવલ (ઉ.વ.ર૩) પંકજભાઇ ચમનભાઇ ગોઠી (ઉ.વ.રર) અને હાર્દિક ઉર્ફે સિંઘમ હરજીવન ભુવા (ઉ.વ.૧૯) નામના ચાર યુવાનો બે મોટર સાયકલમાં ડબલ સવારીમાં નીકળ્યા હતા. ત્યારે ત્યાં વાહન ચેકિંગમાં રહેતા પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરીને ગાળો આપી સીન નાખ્યા હતા. આથી પોલીસે ચારેય યુવાનોને જીજે ૧૩ પીપી૩૪૧૩ અને જીજે૩૬ એચ ૪પ૩૩ નંબરના બે બાઇક તેમજ એક મોબાઇલ સહિત કુલ રૂ.૭પપ૦૦ના મુદામાલ સાથે તાકીદે ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

જયારે એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચારેય યુવાન સામે પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કર્યાની  હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેના આધારે હળવદ પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(1:25 pm IST)