સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

જૂનાગઢના વાઘેશ્વરી મંદિરની રૂ. ૧૯.૬૭ લાખના અમૂલ્ય આભૂષણોની ચોરીને ૩ વર્ષ પૂર્ણ

નવમા નોરતે થયેલી ચોરીની સીઆઇડી તપાસમાં પણ પરિણામ શૂન્ય

જુનાગઢ, તા. ૧૮ : જુનાગઢના વાઘેશ્વરી મંદિરની રૂ. ૧૯.૬૭ લાખના અમૂલ્ય આભૂષણોની ચોરીને આજે ૩ વર્ષ પૂર્ણ થયેલ છે.

નવમા નોરતાની રાત્રે થયેલી આ ચોરીની સીઆઇડી તપાસમાં પણ પરિણામ શૂન્ય રહેલ છે.

જુનાગઢમાં ગિરનાર રોડ પર વાઘેશ્વરી માતાજી બિરાજે છે. ૭પ૦ વર્ષ જૂના આ મંદિરમાં ગત તા. રર ઓકટોબરને માતાજીના નવમા નોરતાની રાત્રે તસ્કરો ખાબકયા હતાં.

પ્રાચીન મંદિરની પાછળની બારી તોડીને પ્રવેશેલા તસ્કરો મંદિરમાંથી માતાજીના અમૂલ્ય આભૂષણો ચોરીને નાસી ગયા હતાં.

નવાબીકાળના આભૂષણોનું મૂલ્ય અમૂલ્ય હતું જોકે, માતાજીના વિવિધ દાગીનાની કિંમત રૂ. ૧૯ લાખ ૬૭ હજાર આંકવામાં આવી હતી.

આ ચોરીના પગલે તાત્કાલીક અસરથી માતાજીની સુરક્ષા માટે તૈનાત ૪ પોલીસ કર્મીને ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

પ્રથમ આ ચોરીની તપાસ ભવનાથ પોલીસને અને બાદમાં ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

નવલી નવરાત્રીના પર્વે જ લોકરમાંથી લાવીને વાધેશ્વરી માતાજીને આભૂષણો પહેરાવામાં આવતા નવરાત્રી પૂર્ણ થયા બાદ તમામ ઘરેણા ફરી લોકરમાં મૂકી દેવાતા હતા.

સરકારી ટ્રસ્ટ સંચાલિત વાઘેશ્વરી મંદિરની ચોરીનો ભેદ નહિ ઉકેલાતા ટ્રસ્ટીઓએ દાતાઓ અને માંઇ ભકતોના સહયોગથી નવા આભૂષણો બનાવેલ અને હાલ અગાઉ જેવા જ આભૂષણો માતાજીને ચડાવવામાં આવેલ. રૂ. ૧૯.૬૭ લાખના કિંમતી ઘરેણાની ચોરીમાંથી માત્ર રૂ. ૬૬ હજારના આભૂષણો મંદિર આસપાસથી કબ્જે કરાયેલ.

લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરાયેલી તપાસ બાદ પણ ચોરીનો ભેદ અણઉકેલ રહેલ અને કોઇ આરોપી ન મળતા ચોરીની ફાઇલ બંધ કરી દેવામાં આવી હતી.

જોકે એક વર્ષ અગાઉ સીઆઇડી દ્વારા ફાઇલ રિઓપન કરી તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ વાઘેશ્વરી માતાજીના અમૂલ્ય ઘરેણા ચોરી જનારા તસ્કરો પોલીસ પકડથી દૂર છે.

(4:01 pm IST)