સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

મોરબી અને ટંકારા પંથકમાં ચારના કમોત

સજજનપરના શારદાબેન દેથરીયાનું ઝેરી દવા પીતા, ઉંચી માંડલ ગામે ડુબી જતા રૂપસિંહ આદિવાસીનું, જોધપરમાં જનાવર કરડતા માસુમ વિક્રમનું અને રંગપરમાં અકસ્માતમાં બટનલાલનું મોત

મોરબી તા.૧૮ : મોરબી અને ટંકારા પંથકમાં ચાર અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. પ્રથમ બનાવમાં ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતી શારદાબેન હંસરાજભાઇ દેથરીયાએ કોઇ કારણસર પોતાના ઘેર ઝેરી દવા પી જતા તેણીને રાજકોટ સારવારમાં ખસેડાઇ હતી જયાં સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજયું હતું.

બીજા બનાવમાં મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ એકોર્ડ સીરામીકમાં રહી મજુરી કામ કરતા રૂપસિંહ'માનસિંહ ઠામોર, આદિવાસી (ઉ.ર૦) કારખાનાની નજીકમાં ડુબી ગયો હતો. તેની ર૪ કલાકની શોધખોળના અંતે કેનાલમાંથી લાશ મળી આવી હતી.

ત્રીજા બનાવમાં જોધપર (ઝાલા) ગામે રહેતા અને મજુરી કામ કરતા પરિવારના માસુમ છ વર્ષના પુત્ર વિક્રમ નારણભાઇ ડામોરને ગત તા.ર/૯ ના રોજ ઝેરી જનાવર કરડી જતા તેને પ્રથમ પડધરી બાદમાં રાજકોટ સારવારમાં ખસેડાયો હતો જયાં માસુમનું કરૂણ મોત નિપજયું હતું.

ચોથા બનાવમાં મોરબી સજજનપર રોડ પર રંગપરની સીમમાં આવેલ શ્રીમ સિરામીક કારખાનામાં કામ કરતા બટનલાલ આહિરવાડ (ઉ.૪પ) ગતરાત્રીના કારખાનાના ગ્રાઉન્ડમાં સુતો હતો ત્યારે ડમ્પર નં. જીજે.૩ એટી ૪રપ૭ ના ચાલકે ડમ્પર રીવર્સમાં લેવા જતા બદનલાલ ચગદાઇ ગયો હતો અને તેનું મોત નિપજયું હતું.

દારૂ પકડાયો

મોરબી પોલીસે નઝરબાગ સામે કોલેજ ગ્રાઉન્ડમાંથી એકિટવાની ડેકીમાંથી રૂ. ૩ હજારની કિંમતની ૧૦ ઇંગ્લીશ દારૂની બોટલ ઝડપી પાડી હતી. જયારે પોલીસને જોઇએ એકિટીવા નં. જીજે૩૬ જે પર૦૩નો ચાલક ભાગી છુટયો હતો.(૬.૯)

(11:56 am IST)