સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

ભાદરનું પાણી અસરગ્રસ્ત ગામો માટે અનામત રાખો : સિંચાઇ મંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૬ : ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ ભાદર ડેમ મુખ્ય સિંચાઇ હેતુથી બંધાવવામાં આવેલ છે. ત્યારે હાલ આસપાસના અનેક ગામો પાણીની અછત ભોગવી રહ્યા હોય આવા અસરગ્રસ્ત ગામો માટે ભાદર ડેમનું પાણી અનામત રાખવા જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઇ ઠુમ્મરે સિંચાઇ મંત્રી પરબતભાઇ પટેલને પત્ર લખી રજુઆત કરી છે.

તેઓએ જણાવેલ છે કે આ ડેમમાંથી રાજકોટ, ગોંડલ, જેતપુર શહેરને પીવાના પાણી હેતુ ૨૦૦ એમસીએફટી પાણી અનામત રાખવામાં આવે છે. ગત વર્ષે જેતપુર, ધોરાજી, ઉપલટા, જામકંડોરણાને પીવાના પાણી માટે નર્મદા યોજના અંતર્ગત બલ્ક પાઇપ લાઇન યોજનાનું ઉદ્દઘાટન કરેલછે. તેમજ રાજકોટને પીવાના પાણી માટે સૌની યોજનાનું ઉદ્દઘાટન પણ થયુ છે.  આ ડેમના બાંધકામથી આસપાસના લીલાખા, નવાગામ, ગોમટા, દેવચડી, બાંદરા, વોરા કોટડા, શિવરાજગઢ, કમર કોટડા, ધુળસીયા, સુલતાનપુર, દેવાળા સહીતના ગામની જમીન ડુબી જાયે છે. ખેડુતોની આજીવીકા છીનવાય જાય છે. માલધારીઓને ઘાસચારો ઉપલબ્ધ થઇ શકતો નથી.ી ત્યારે આ અસરગ્રસ્ત ગામો માટે પીવાના પાણી ઉપરાંત ૧૫૦ થી ૨૦૦ એમસીએફટી પાણી સિંચાઇ માટે અનામત રાખવામાં આવે તેવી માંગણી વલ્લભભાઇ ઠુમ્મર (મો.૯૯૨૫૧ ૭૩૨૭૮) એ કરી છે.

(11:53 am IST)