સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th September 2021

કચ્છના કંડલા બંદરે સંદિગ્ધ વસ્તુએ સર્જી દોડધામ: તંત્રની તપાસના અંતે હાશકારો : બોમ્બ હોવાના તર્કવિતર્કને પગલે સઘન તપાસ પણ ડીઝલ ટેન્ક નીકળતાં રાહતનો દમ, સીઆઈએસએફ, પોલીસ અને પોર્ટ સિક્યુરિટીની સયુંકત તપાસ બાદ કંડલા બંદરે કામગીરી પૂર્વવત શરૂ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) આજે સવારે કંડલા બંદરે જેટી નંબર ૧૬ પાસે શંકાસ્પદ કાળી વસ્તુએ તર્ક વિતર્કો સાથે બોમ્બ જેવો કોઈ પદાર્થ હોવાની શંકા સાથે દોડધામ સર્જી હતી. જોકે, કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા આ સંદર્ભે વાત કરતા પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, આ સમાચાર મળ્યા બાદ તુરત જ સીઆઈ એસએફ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી. તો પૂર્વ પોલીસ દ્વારા પણ આ સંદર્ભે સઘન તપાસ કરાઈ હતી. જોકે, આ શંકાસ્પદ વસ્તુ એ ડીઝલ ટેન્ક હોવાનું ખુલ્યું છે. કાળા કલરની આ ડીઝલ ટેન્ક કોઈ વહાણમાંથી તૂટી ગઈ હશે અને તણાઈને છેક જેટી નંબર ૧૬ સુધી પહોંચી આવી હશે એવું અનુમાન છે. અત્યારે કંડલા પોર્ટની તમામ કાર્યવાહી પૂર્વવત ચાલુ છે. દરમ્યાન, આજે કંડલા તેમ જ જોડીયા શહેર ગાંધીધામ અને આદિપુરમાં લોકો વચ્ચે સતત અફવાઓનું જોર ચાલુ રહ્યું હતું. જોકે, પોલીસ તેમ જ પોર્ટ પ્રશાસન અને તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. 

આમ, દરિયામાં તણાઈ આવેલ બિન વારસુ ડીઝલ ટેન્કને કારણે સૌ દોડતાં થયા હતા.

(4:17 pm IST)