સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th September 2021

જોરાવરનગરની ઘરફોડીમાં અમદાવાદની ચોરી પણ કબુલી

વઢવાણ તા. ૧૮ : જોરાવરનગર સુભાષ રોડ ઉપર આવેલ શેરી નં. ૬માં બંધ મકાનમાં રાત્રી દરમ્યાન થયેલ કિંમતી સામાનની ચોરીનો ભેદ જોરાવરનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલીને રતનપરના બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.

જોરાવરનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે રતનપર ઢાળ ઉપરથી પોલીસે રતનપરના જ ઓગણીસ વર્ષના બે યુવાનો મોહીન ઉર્ફે ભૂરો અકબરભાઈ જેડા, તથા સોહીલ ઉર્ફે ડફફુર સલીમભાઈ દિવાન ચોરાઉ બાઈક તથા એલ.ઈ.ડી.ટીવી સાથે ઝડપી લીધા હતા.પોલીસની પુછપરછમાં આ શખ્સોએ જોરાવરનગર સુભાષરોડ ઉપર શેરી નં. ૬માં ભરતભાઈ ત્રિવેદીના મકાનમાંથી આ બાઈક અને ટીવી ચોરેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂ.૪૫૦૦૦નો મુદામાલ કબજે કરીને મોહિન ઉર્ફે ભુરાએ ત્રણ ચોરાઉ બાઈક વેચવા માટે લાવેલ હોવાનું કબુલતા તેણે બતાવેલા સ્થળ રતનપર પુલ નીચે ભોગાવામાં બાવળોની ઝાડી વચ્ચે સંતાડેલા ત્રણ ચોરાઉ બાઈક બજે કરેલ હતા.

આ ત્રણેય બાઈક ભાર્ગવ માધાભાઈ ભાદરકા રે. ઈટાળીયા (તા. વલ્લભીપુર)એ ચોરેલ હોવાનું બહાર આવેલ હતુ. આ ત્રણેય બાઈક ભાર્ગવે અમદાવાદની કાગડાપીઠ અને સરખેજ વિસ્તારમાંથી ચોરીને મોહિન ઉર્ફે ભુરાને વેચવા આપેલા હતા. પોલીસે ભાર્ગવને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરેલ છે.

(12:11 pm IST)