સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th September 2020

જૂનાગઢમાં આયુર્વેદ - હોમિયોપેથી દવાનો વિનામૂલ્યે કેમ્પ

સેંકડો લોકોએ લાભ લીધો : જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા આયોજન

રાજકોટ : કોરોના રોગચાળો કૂદકે ને ભૂસકે આગળ વધતો જાય છે અને રોજ અનેક દર્દીઓ કોરોના રોગચાળાના ઝપેટમાં આવી જાય છે. ત્યારે જનસમાજમાં એક સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતાનું વાતાવરણ ઉભુ થયેલ છે.

આયુર્વેદ દવાઓ ખાસ કરીને રોગપ્રતિકારક શકિત વધારતી હોય કોરોના વાયરસથી બચવા જરૂરી રોગપ્રતિકારક શકિત વર્ધક આયુર્વેદ અને હોમિયોપેથી દવાના વિનામૂલ્યે વિતરણ કેમ્પનું આયોજન આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા સમગ્ર જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૭ જગ્યાએ તથા દરેક તાલુકા મથક પર એમ કુલ ૧૫ જગ્યાએ એક સાથે આયુર્વેદ અને હોમિયોપેથી દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. દરેક જગ્યાએ વ્હેલી સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી દવા વિતરણ કરવામાં આવેલ.

દરેક મુલાકાતીને વ્યકિત દીઠ ૧ સપ્તાહ માટે જરૂરી આયુર્વેદ દવા - સંશમની વટી અને ૪ દિવસ માટેની હોમિયોપેથી દવા - આર્સેનીક આલ્બ ૩૦નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સાથોસાથ દરેક સ્થળે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા અંગેની તકેદારી રાખી લોકોને આ માટે ખાસ ધ્યાન રાખવા ખાસ અપીલ કરવામાં આવેલ હતી.

આ રોગપ્રતિકારક શકિતવર્ધક દવા વિતરણ કાર્યક્રમમાં કુલ ૪,૨૬,૪૦૦ જેટલા લોકોએ લાભ મેળવેલ. કાર્યક્રમનું આયોજન જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ ડો. મહેશ વારાની આગેવાનીમાં જૂનાગઢ જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપેથી મેડીકલ ઓફીસર દ્વારા કરવામાં આવેલ.

(12:55 pm IST)