સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

મોરબીઃ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત વધારીને ૨૭ ટકા કરવાની માંગ

જયાં સુધી કાર્યવાહી પૂર્ણ ના થાય ત્‍યાં સુધી ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી, તા ૧૮: આવનારી સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણીમાં ઓબીસી સમાજને અનામતનો લાભ આપવા અને જ્‍યાં સુધી લાભ આપવા અંગે યોગ્‍ય પગલાં ન લેવાય ત્‍યાં સુધી ગ્રામપંચાયતોની ચૂંટણી મોકૂફ રાખવા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજે કલેકટરને રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે ગત વર્ષ મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશમાં યોજાયેલ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામતના અમલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થયેલ હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૯ જાન્‍યુ. ૨૦૨૨ના રોજ દેશના તમામ રાજ્‍યોને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં, ઓબીસી અનામતનું પ્રમાણ બેઠકોની પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્‍તીના આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો.
આ આદેશના અંદાજે છ મહિના વીત્‍યા બાદ, ગુજરાત સરકારે કમિશન રચ્‍યું. જે ઘણું મોડું થયેલ જણાય છે, જેના ફળસ્‍વરૂપે વસ્‍તીના આધારે માપદંડો નક્કી કરવાના હતા તેની આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. જેથી રાજ્‍યમાં આશરે ૩૨૫૨ ગ્રામપંચાયતોમાં ૧૦ ટકા ઓબીસી અનામતનો લાભ મળશે નહીં.
જ્‍યારે કમિશને લોકો પાસે ઉપરોક્‍ત વિષય પર દિન ૧૦માં (જે વધારીને દિન ર૦ કરવામાં આવ્‍યા) સૂચન તેમજ અભિપ્રાય મંગાવ્‍યા. જે અમને યોગ્‍ય લાગતું નથી.
રાજ્‍યમાં જ્‍યારે આશરે ૫૨ ટકા જેટલી ઓબીસી સમાજની વસ્‍તી છે. ત્‍યારે ઓબીસી બેઠકોની સંખ્‍યા વધારવાની જરૂરિયાત સામે, રાજ્‍ય સરકારના કાર્યપ્રણાલીથી ઓબીસી સમાજને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ થયેલ હોય એમ જણાય છે.
આથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં ઓબીસી સમાજને ઓછામાં ઓછો ૨૭ ટકા અનામતનો લાભ મળી રહે, તે માટે ત્‍વરિત કમિશને નક્કર કાર્યવાહી નિયત સમયમાં પૂર્ણ કરે અને ૩૨પર ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ઓબીસી સમાજને અનામતનો લાભ મળી રહે તે માટે યોગ્‍ય કાર્યવાહી કરવા અને જ્‍યા સુધી કાર્યવાહી પૂર્ણ ના થાય ત્‍યાં સુધી ગ્રામપંચાયતોની ચૂંટણી મોકૂફ રાખવા માંગ કરીએ છીએ.
ઓબીસી સમાજને અન્‍યાય થતો જણાશે, તો રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠન કલેક્‍ટર કચેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

 

(1:14 pm IST)