સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ વધાવવા સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં થનગનાટ

ગામે-ગામ શોભાયાત્રાના આયોજનઃ જન્‍માષ્‍ટમી પર્વમાં ફરવાલાયક સ્‍થળોએ લોકોની ભીડ જામશે

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જન્‍માષ્‍ટમી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ છવાયો છે. અને શ્રી કૃષ્‍ણ ભગવાનના જન્‍મોત્‍સવને વધાવવા માટે  તડામાર તૈયારીઓ થઇ રહી છે.
ગામે ગામ શોભાયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતી, લોકમેળા, સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
આજે શિતળા-સાતમ છે. આવતીકાલે તા. ૧૯ ને શુક્રવારે શ્રી કૃષ્‍ણ ભગવાનના જન્‍મોત્‍સવ સાથે જન્‍માષ્‍ટમી પર્વ ઉજવાશે.
ધારી
ધારી : સૌરાષ્‍ટ્રમાં અમરેલી જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે નબાપરામાં પ૦૦ વર્ષો પુરાણું સુપ્રસિધ્‍ધ યાત્રા સ્‍થળ, દર્શનીય પાર્વતી પરમેશ્વરધામ શ્રી જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમમાં  તા. ૧૯ ને શુક્રવારે શ્રાવણ વદ આઠમને જન્‍માષ્‍ટમીએ જીવનમુકતેશ્વર મહાદેવના પટાંગણમાં બપોરે ૩ થી પ-૩૦ સુધી ભાગવતાચાર્ય શાષાી ડો. કૃષ્‍ણકુમાર મહેતા શ્રીમદ્‌્‌ ભાગવતજીના દશમ સ્‍કંધની કૃષ્‍ણજન્‍મની કથાનું રસપાન કરાવશે. અને સાંજે પ-૩૦ વાગ્‍યે વેશભૂષા સાથે સંગીતના સથવારે કૃષ્‍ણજન્‍મ-ભવ્‍ય નંદ મહોત્‍સવ ઉજવાશે. જેમાં પ૦૦ થી વધુ ભાવિક બહેનોના જન્‍માષ્‍ટમી મહોત્‍સવના ભાગરૂપે વિશાળ રાસ-ગરબા થશે. આ પ્રસંગે કલાત્‍મક પારણામાં બિરાજતા બાલકૃષ્‍ણલાલને ઝૂલાવવાનો ભાવિકો ધર્મલાભ લેશે. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્‍ઠાયુકત શિવલિંગની સાથોસાથ શિવપાર્વતીનું સજોડે પ્રાણ પ્રતિષ્‍ઠાયુકત મૂર્તિમંત સ્‍વરૂપ બિરાજમાન હોય તેવું સૌરાષ્‍ટ્રનું આ અજોડ શિવાલય છે. શહેરના પ્રદુષણ, કોલાહલ, ઘોંઘાટથી દૂર શેત્રુંજી નદીને કાંઠે ૩૦૦ ઘેઘુર વૃક્ષોની છાયામાં નૈસર્ગિક સૌંદર્યથી ભરપુર રમણીય, શાંતિપૂર્ણ પ્રાકૃતિક વાતાવરણમાં ભાવિકો, દર્શનાર્થીઓ અપાર શાંતિની અનુભૂતિ કરે છે.
ગોંડલ
ગોંડલ : શ્રી રામ ગ્રુપ કાશીવિશ્વનાથ રામજીમંદિર ચોક,ગોંડલ શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ પ્રસંગે શ્રી રામ ગ્રુપ દ્વારા ગોંડલ માં રાસલીલા ના કાર્યક્રમો  પવિત્ર શ્રાવણ માસના કૃષ્‍ણ જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે તા.૧૯/૮/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ શ્રી રામ ગ્રુપ ગૌ સેવા રાસ મંડળ ગોંડલ દ્વારા કાશી વિશ્વનાથ રામજી મંદિર ચોક ગોંડલ ખાતે રાત્રીના ૯ કલાકે શ્રી કૃષ્‍ણલીલા રાસોત્‍સવ તથા રાત્રિ ના ૧૨ કલાકે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ તથા રામજી મંદિર આરતી તેમજ જન્‍માષ્ટમી ઉત્‍સવો નું આયોજન પરમ પૂજય પ્રાત સ્‍મરણીય ૧૦૦૮ મહામંડલેશ્વરશ્રી જેરામ દાસ મહારાજશ્રીના સાનિધ્‍યમાં કરવામાં આવશે આ કાર્યક્રમમાં   હિતેશભાઈ કાનજીભાઈ મહારાજ (કેશોદ) જગદીશભાઈ સુખાનજી મહારાજ (ટીકર)  અતુલભાઈ ભરડા રાધાજી (દીવરાણા) મનસુખભાઇ મજેઠીયા રાધાજી(રમળે થી ગીર) પ્રકાશભાઈ ચુડાસમા રાધાજી (બાલાગામ)  અનિલભાઈ ચુડાસમા રાધાજી (ધણેજ ગીર)  જેવા નામાંકીત કલાકારો ભાગ લઈ પોતાની કલા પરીશશે.તો દરેક ધર્મ પ્રેમી જનતાને શ્રી રામ ગ્રુપ આયોજિત કાર્યક્રમ મા પધારવા આમંત્રણ પાઠવ્‍યું છે.

 

(11:10 am IST)