સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th August 2019

હજુ અધુરૂ કામ પત્યુ છે, હવે બાકીનું અધુરૂ કામ પણ પુરૂ થશે, કેદારનાથ અને બદ્રીનાથ બેઠા છે તેમના ઉપર મને શ્રદ્ધા છેઃ કાશ્મીર અને ૩૭૦ની કલમ મુદ્દે કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાનું નિવેદન

ગીર :કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે કાશ્મીર અને 370ની કલમ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, હજુ અધૂરું કામ પત્યું છે. હવે બાકીનું અધૂરું કામ પણ પૂરું થશે. કેદારનાથ અને બદ્રીનાથ બેઠા છે, તેમના પર મને શ્રદ્ધા છે.

કર્ણાટકના રાજ્યપાલ અને એક સમયના ગુજરાતના દિગગજ નેતા વજુભાઈ વાળા આજે સોમનાથ મહાદેવના દર્શને સહપરિવાર સાથે આવ્યા છે. વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવને શિશ ઝૂકાવ્યા બાદ કાશ્મીર મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. વજુભાઇ વાળાએ 370 અને 35- હટાવવાને લઈ કાશ્મીરમાં જે માહોલ છે તેના વિશે પ્રતિક્રીયા આપતા કહ્યું કે, કાશ્મીરનું હજુ તો અડધું કામ પત્યું છે. આખું પતાવવાનું બાકી છે. તેમણે પીઓકેનું નામ લીધા વિના કહ્યું કે, કાશ્મીરનું હજુ બાકી રહી ગયેલું અધૂરું કામ આગામી સમયમા આપણા હાથે પૂરું થવાનું છે. કેદારનાથ અને બદ્રીનાથ બેઠા છે, મને તેમના પર અતૂટ શ્રદ્ધા છે કે તે અધૂરું કામ આપણા હાથે પૂરું કરાવશે.

સાથે વજુભાઇ વાળાએ સોમનાથના ભૂતકાળને વાગોળતા કહ્યું કે, અનેક વખત અહીંયા હુમલા થયા છે અને આપના લોકોએ સોમનાથનું રક્ષણ પણ કર્યું છે. આપણે કોઈને મારવા નથી. પણ આપણે કોઈ મારવા આવે તો તેને છોડવા પણ નથી.

(4:59 pm IST)