સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th July 2019

ભાજપ દ્વારા સરકારને ઉથલાવવા આર્થિક લાભોની નિતી લોકશાહી માટે મૃત્યુ ઘંટ

જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાનો આક્ષેપ

રાજકોટ તા ૧૮  : ભારતના મોટાભાગના રાજયો અને કેન્દ્રની લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ. ને પ્રચંડ બહુમતિ મળી હોવા છતાં હાલમાં ભા.જ.પ. દ્વારા જુદા જુદા રાજયોની સરકારને ઉથલાવવા તડજોડની નીતિ, હોદઓની લ્હાણી તેમજ આર્થિક લાભો આપવાની જે નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે તે લોકશાહી માટે મૃત્યુઘંટ સમાન હોવા અંગે જસદણના પૂર્વ ધારાસભ્ય નેતા ભીખાભાઇ બાંભણીયાએ એક નિવેદનમાં આક્રોષ વ્યકત કર્યો હતો.

ભીખાભાઇ બાંભણીયાએ કહયું છે કે, તડજોડની આ નીતિ પાછળ ભા.જ.પ. અને કેન્દ્ર સરકાર લોકશાહી માટે અત્યંત જરૂરી એવો વિરોધ પક્ષ મજબુત ન બને તે માટેની મેલી મુરાદ ધરાવે છે. એક હથુ શાસન અને સરમુખત્યાર જેવું વર્તન લોકશાહી માટે કલંકરૂપ છે.ભા.જ.પ.નાં સતાધીશો જરૂર ન હોવા છતાં પણ આ પ્રવૃતિને દેશભરમાં વિસ્તારી રહ્યા છે. હદ તો ત્યારે થાય છે કે જે નેતાઓ ગઇકાલે સામાપક્ષમાં હતા તેમના જેમના પર ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપ હતા તેવા ધારાસભ્યોને પણ ભા.જ.પ. માં લાવવા માટે મૂળ પક્ષમાંથી રાજીનામા અપાવીને મંત્રીપદ સહિતનાં હોદઓ આપવામાં આવી રહ્યા છે તે સહેજ પણ વ્યાજબી નથી.

 ખરા અર્થમાં તો આવા પક્ષપલટુ નેતાઓ મતદારો તથા પોતાના પક્ષનો દ્રોહ કરી રહયા છે. અમુક સંખ્યામાં પક્ષ પલ્ટો કરવામાં આવે તો ચૂંટણીપંચ દ્વારા પક્ષાંતર ધારો લાગુ પાડવામાં આવતો નથી તે નિયમનો આશ્રય લઇને પ્રજા દ્રોહ કરતા આવા નેતાઓ માટે વધુ કડક જોગવાઇ કરી તેમને અમુક વર્ષો માટે ગેરલાયક ઠરાવવાનો કાયદો લાવવો ખુબ જરૂરી છે. અન્યથા આવા સ્વાર્થી હોદે્દારોની આયારામ-મયારામની પ્રવૃતિ ચાલુ રહેશે.

પ્રજાએ પણ આ સંદર્ભે જાગૃત થવાની જરૂર હોવાનું જણાવી ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, કોઇપણ પક્ષ આ રીતે પોતાના પક્ષને મજબુત બનાવવા અન્ય પક્ષનાં ધારાસભ્ય કે અન્ય કોઇ હોદે્દારોને રાજીનામુ અપાવી પક્ષપલ્ટો કરાવે તો જે તે મત વિસ્તારની પેટા  ચૂંટણીનું જે કંઇ ખર્ચ થાય તે જવાબદાર પક્ષ ભોગવે અને પ્રજા કે સરકારના પૈસાનું પાણી ન થાય અથવા તો સામાન્ય ચુંટણીઓ આવે ત્યાં સુધી આ બેઠકો ખાલી રહે તે પ્રકારે કાયદો ઘડવામાં આવે તે સમયની માંગ છે.

(11:23 am IST)