સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

જામનગરના આમરા ગામમાં અષાઢ મહિનામાં કુવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો : પાછોતરો વરસાદ વધશે

જામનગરના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે.ઙ્ગ ગામમાં ઢોલ વગાડતા વગાડતા ગ્રામજનો સતી માતાજી મંદિરે જઈને ગામના ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવે છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જઈ ગામના દરબાર પરિવારના સભ્યના હાથે કૂવામાં આ રોટલાને પધરાવાય છે અને તેના આધારે આ વર્ષે વરસાદ કેવુ રહેશે, તેનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પ્રસંગ ઉજવે છે, આ અગાઉ મંદિરની પૂજા કરી, ધજા પણ ચડાવવામાં આવે છે. વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ ઉપર આફત આવ્યાની અને આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ સમસ્યા ઉકેલાઈ ત્યારથી આ પરંપરા અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે.ઙ્ગ દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ઘા છે. આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોઈ અને સાથે પાછોતરો વરસાદ આવશે તેવું અનુમાન લગાવાયું છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(4:15 pm IST)