સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માન

જૂનાગઢ : વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધજનો માટે અનેકવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે તે પૈકીની એક પ્રવૃતિ એટલે અંધજનોનું શિક્ષણ સંસ્થા ખાતે અભ્યાસ કરતા ધો.૧ થી ૧૨ના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પૈકી વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓ અને રાજયકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર આઠ વિદ્યાર્થીઓનું રોટરેકટ કલબ ઓફ જૂનાગઢ દ્વારા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ દરેકને રૂપિયા ૫૦૦નુ રોકડ પુરસ્કાર અપાવી બિરદાવવામાં આવવામાં આવેલ. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવવિભોર થઇ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ દિકરીઓએ એક સ્તુતી અને દેશભકિતગીત નૃત્ય સ્વરૂપે રજૂ કરી કર્યુ હતુ.પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના સન્માનની સાથે સાથે રોટરેકટ કલબ ઓફ જૂનાગઢના નવા નિમાયેલ પ્રમુખ જીલ કીકાણીના ઇન્સ્ટોલેશનની સેરેમની યોજાઇ હતી. જીલ કિકાણીએ જાહેરાત કરી કે તેઓ દ્વારા એક દિવસ રાષ્ટ્રીય અંધજન મંડળ માટે ફંડ રેઇઝીંગ માટે ફાળવવા આયોજન છે. રાષ્ટ્રીય અંધજન મંડળ અંધજનો અને અન્ય વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોના શિક્ષણ તાલીમ, પુનર્વસન અને આશ્રય માટે છેલ્લા ૩૮ વર્ષથી સતત કાર્યરત છે.સંસ્થા ખાતે અંધ વૃધ્ધાશ્રમ, અંધજન પુસ્તકાલય, કોમ્પ્યુટરાઇઝડ બેઇલ, પ્રોડકશન સેન્ટર, દિવ્યાંગ બાળકો માટેની સંમેલીત શિક્ષણ યોજના, પ્રજ્ઞાચક્ષુ કુમાર - કન્યા છાત્રાલય, દિવ્યાંગો માટે ઉદ્યોગ તાલીમ સહ ઉત્પાદક કેન્દ્ર, સંગીત શિક્ષણ વગેરે પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. સંસ્થા ખાતે દિવ્યાંગોના લાભાર્થે સમયાંતરે વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:52 am IST)