સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

લોકગાયિકા ગીતા રબારીને ઘેર રસી આપનાર મહિલા કર્મીની બદલી- વિવાદનો ધ એન્ડ? *સોશ્યલ મીડિયાની પ્રસિદ્ધિનો શોખ ગીતા રબારીને ભારે પડ્યો, ઘેર રસી લેવાનું કૃત્ય અશોભનીય ગણાવી તંત્રનો ઠપકો

(વિનોદ ગાલા દ્વારા)  : (ભુજ) આમ તો સેલિબ્રિટી પર્સનાલિટી માટે સોશ્યલ મીડિયા પ્રસિદ્ધિનું સશક્ત માધ્યમ છે. પણ, ઘણીવાર વધુ પડતી પ્રસિધ્ધિ મેળવવાનો મોહ મુશ્કેલીમાં મૂકી શકે છે. રસી માટે નિયમોને નેવે મૂકી પોતાને ઘેર રસી લેવાની ભૂલ અને એ ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાનું લોકગાયિકા ગીતા રબારીને ભારે પડ્યું છે. ૧૮ થી ૪૪ વર્ષના યુવાવર્ગ માટે સ્લોટ ઓનલાઇન બુક કરાવ્યા બાદ જ રસી આપવાના સરકારના નિયમ વચ્ચે હજારો લોકો રસી લેવા સતત મથી રહ્યા છે. તે વચ્ચે એકાએક ઘેર રસી લેનાર ગીતા રબારી અને તેના પતિ પૃથ્વી રબારીએ પોતે ફેસબુક પેજ ઉપર વાયરલ કરેલ પોસ્ટ વિવાદનું કેન્દ્ર બની. લોકોએ ડીડીઓ ભવ્ય વર્મા ને આ અંગે ઘેરી સવાલોનો ધોધ વરસાવ્યો.  સોશ્યલ મીડિયા બાદ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સમાચારો સાથે આ મુદ્દો રાજકીય રીતે પણ ચર્ચામાં આવ્યો. જોકે, ડીડીઓ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને ઘેર રસી આપનાર મહિલા કર્મીનો ખુલાસો પૂછાયો હતો. અંતે એ મહિલા કર્મીની માધાપર થી દેશલપર બદલી કરી દેવાઈ છે. પરંતુ, ગીતા રબારી અને પૃથ્વી રબારીએ ઢોરી ગામે સ્લોટ બુક કરાવ્યો હોવાની ચર્ચા વચ્ચે રસી પોતાને ઘેર માધાપર લીધી હતી. હવે સ્લોટ બુક કરાવવાથી માંડીને રસી ઘેર આપવા કોણે સૂચના આપી તે વિશે તંત્રએ ભેદી મૌન સાધી અને ગીતા રબારીને પત્ર લખી ઘેર રસી લેવાના તેમના કૃત્યને અશોભનીય ગણાવી સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દીધો છે.

(1:38 pm IST)