સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

સાવરકુંડલા પાસે રોઝડુ આડુ ઉતરતા બાઈક સવારનું મોતઃ ગળકોટડી નજીક કાર હડફેટે મૃત્યુઃ ગોપાલ ગ્રામમાં અથડામણઃ નાના ભંડારીયામાં મંદિરમાં ચોરી

અમરેલી, તા. ૧૮ :. સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા નજીક મોદા નવાગામ રોડ ઉપર મનસુખભાઈ રૂડાભાઈ સોરઠીયા રહે. મોદા તા. મહુવાવાળા બાઈક જીજે ૦૪ બીએચ ૧૦૫૬ ડબલસવારીમાં મોદાથી વિજપડી આવતા હતા ત્યારે રસ્તામાં નવાગામ નજીક બાઈક આડે રોઝડુ અથડાતા પડી જતા માથામાં ગંભીર ઈજા થતા મોત નિપજેલ. જ્યારે બાઈક પાછળ બેઠેલા પ્રવિણભાઈ અમરશીભાઈ મકવાણાને ઈજા થયાનું કુટુંબી વનરાજભાઈ બટુભાઈ સોરઠીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બાઈકની ચોરી

જાફરાબાદ મરીન સામાકાંઠે રહેતા સીરાજભાઈ શેરઅલીભાઈ સાયાણી (ઉ.વ. ૩૨)નું બાઈક તા. ૧૭-૫ દરમિયાન ઘરનો ડેલો વાવાઝોડામાં તૂટી જતા કોઈએ અંદર પ્રવેશ કરી રૂ. ૪૦ હજારનું બાઈક ચોરી કરી ગયાની જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુથ અથડામણ

ગોપાલ ગ્રામમાં બે જુથ વચ્ચે ધારીયા, ત્રિકમ અને પાઈપ વડે સામસામી મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. એક પક્ષે મુકેશભાઈ ભૂપતભાઈ ચારોલા દેવીપૂજક (ઉ.વ.૩૦) ભીમા સોમા વાઘેલા બાપ-દિકરો કોઈ કારણોસર ઝઘડો કરતા વચ્ચે છોડાવવા જતા બાલા ભીમા, રમેશ ભીમાએ ત્રિકમ અને ધારીયા વડે મારમારી પ્રભાબેન કિશોરભાઈ ચારોલીયા, જયાબેન ભીમાભાઈ વાઘેલાએ પાઈપ વડે મારમારી ભીમા સોમાએ ઢીકાપાટુનો માર માર્યાની ચલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે ભીમાભાઈ સોમાભાઈ વાઘેલાના દિકરા બાલાભાઈની પત્નીને મેહુલ ચંદુ વાઘેલા દેવીપૂજક ચારેક મહિના પહેલા ભગાડી ગયેલ. તેમ છતા ઝઘડો ચાલતો હોય જે મનદુઃખ રાખી કિશોર ભૂપત ચારોલીયા, મુકેશ ભૂપત ચારોલીયા, અરજણ સોમા ચારોલીયા, સોમા કરશન વાઘેલાએ નેતરની પાઈપ મારી દિકરા બાલાભાઈ તેમજ ભીમાભાઈના પત્નિ જયાબેન અને દિકરીને નેતરના પાઈપ વડે મારમારી ગાળો આપ્યાની ચલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

નાના ભંડારીયાના મંદિરમાં ચોરી

નાના ભંડારીયામાં અંબાજી માતાજીના મંદિરમા તા. ૧૭ના મોડી રાત્રીના કોઈ અજાણ્યા શખ્સોએ મંદિરના તાળા તોડી માતાજીના ચરણપાદુકા અને કંગન મળી કુલ રૂ. ૧૮,૭૦૦ની ચોરી કરી ગયાની મનોજભાઈ અરજણભાઈ જોષીએ અમરેલીના તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ગળકોટડીમાં અકસ્માત

ગળકોટડી નજીક મધુભાઈ પરસોતમભાઈ મકવાણા (ઉ.વ. ૫૦) બાઈક જીજે ૦૫ પીએન ૮૮૬૬ લઈને બાબરાથી ગળકોટડી જતા રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસે સફેદ કલરની ફોરવ્હીલ જીજે ૨૧એએ ૧૯૭૯ના ચાલકે હડફેટે લઈ પછાડી નાની-મોટી ઈજા કરી ફ્રેકચર કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જેલમાંથી બહાર નિકળે તો મારી નાખવાની ધમકી

મોટા મુંજીયાસર ગામે રહેતી યુવતીને તેના ભાઈ નીલકંઠભાઈને ગામના સાગર રમેશ રાઠોડ સાથે માથાકુટ થયેલ જે મનદુઃખ રાખી ઋત્વિક રવજી રાઠોડ રહે. મોટા મુંજીયાસર અને અજાણ્યા બે શખ્સો બાઈક ઉપર આવી નિલકંઠભાઈને જેલમાંથી બહાર નિકળશે તો મારી નાખવાની ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ચિતલ પાસે અકસ્માતે મોત

ચિતલ ગામ વચ્ચે રેલ્વે નાળા પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે મોટા દેવળીયા ગામના સંદીપભાઈ ગુણવંતભાઈ કાનાણીને હડફેટે લઈ મોત નિપજાવ્યાની વિમલભાઈ મગનભાઈ બફલીપરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ગાળો બોલી ધમકી

મરીન પીપાવાવના ભેરાઈ દેવપરા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ વાજા (ઉ.વ. ૩૪)ની બીજી પત્ની ધનીબેન સાથે રહેતા હોય. જે મનદુઃખ રાખી મેહુલ ઉર્ફે દુડી મથુર વાઘેલા એ ભરતભાઈનુ બાઈક જીજે ૧૪એ એફ ૬૯૩૪ સળગાવી ગાળો બોલી ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

તહેવારીયો જુગાર

અમરેલી જિલ્લામાં હાલમાં તહેવારીયો જુગાર રમતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે અને શકુઓની જામેલી બાજી ઉંધી વાળીને જુગાર રમતા ઝડપી પાડયા છે. બાબરાના હાથીગઢમાં જાહેરમાં જુગાર રમતા મનસુખ બાવ જસાણીયા, રમેશ જીલુ સોલંકી, અજય ભનુ, વિજય ગોરધન, સાર્દુળ બાવ જસાણીયાને પો. કોન્સ. બાલુભાઈ નાગરે રોકડ રૂ. ૧૦,૨૦૦ સાથે તેમજ ડેડાણમાં એજાજ અહેમદ કુરેશી, રવજી લક્ષ્મણ સાંખટ, નાશીર ઉસ્માન મન્સુરી, રવજી ખોડા મકવાણા સહિત ૧૧ શખ્સોને પો. કોન્સ. મનિષભાઈ ઝાલાએ રોકડ રૂ. ૧૨,૧૯૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(1:12 pm IST)