સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

અમરેલી જીલ્લામાં વરસાદ વરસતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાયઃ અનેક જગ્યાએ વાવણા

અમરેલી : લીલીયા તાલુકાના હરીપર ગામ જોરદાર વરસાદ વરસ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૮ :.. અમરેલીમાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલતાટા ઠંડો પવન ફુંકાયો હતો અને મીની વાવાઝોડા જેવી સ્થીતી સર્જાઇ હતી. સમી સાંજે આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાતા વરસાદનું જોરદાર ઝાપટુ પડયુ હતું અને વાતાવરમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. અને શહેરના માર્ગો ઉપર પાણી વહેતા થયા હતાં. ઘનઘોર વાદળો છવાયાની સાથે ચોમાસાએ છડી પોકારી હોય તેમ માહોલ જોવા મળ્યો હતો. લીલીયા શહેરમાં સાંજના સમયે અર્ધા કલાકથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જયારે હાથીગઢમાં ૬.૧પ કલાકે ધોધમાર વરસાદ શરૂ થતા એક ઇંચ જેવો વાવણી લાયક વરસાદ પડયો હતો. આસપાસના પ થી ૬ કિ. મી.ના વિસ્તારમાં સારો વરસાદ પડતા જગતના તાતમાં ખુશી વ્યાપી છે. લાઠીમાં ૧૭ મી. મી., બાબરામાં ૧૬ મીમી વરસાદ પડયો હતો. વંડામાં જરમરીયો વરસાદ પડયો હતો. અમરેલી નજીક ચિતલમાં અસહય ગરમી અને બફારા બાદ સાંજના પ વાગ્યાથી ૬ વાગ્યા સુધીમાં એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડી ગયો હતો. ચિતલ આસપાના જસવંતગઢ, મોણપુર, રાંઢીયા, લુણીધાર, બળેલ પીપરીયા, જીવાપર, ધરાઇ, વાવડી, રીકડીયા, ભીલા, ભીલડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી જતા ખેડૂતો અને આમ જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. અને લોકોએ સારો વરસાદ પડતા ગરમીમાંથી રાહત મેળવી હતી. દામનગરમાં પોણા પાંચ વાગ્યે ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોએ અસહય ઉકળાટમાંથી રાહત મેળવી હતી.

દામનગરમાં મોસમનો આ પ્રથમ વરસાદ પડયો હતો તેમજ આજુબાજુના ગામોમાં પણ છૂટો છવાયો વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે. વાવણી માટે ખેડૂતોએ તૈયારી શરૂ કરી છે આજના પ્રથમ વરસાદથી ખુશનુમા વાતાવરણ બન્યુ હતું.

ગારીયાધાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય બફારા બાદ સાંજે મનમુકીને મેહુલીયો વરસ્યો હતો.

આસપાસના નવા ગામ, ખોડવદરી, નાની વાવડી, પછેગામ, મેસણકા, ગણેશગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર બે ઇચ કરતા પણ વધારે વરસાદ પડી જતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. શહેરમાં સારા વરસાદને કારણે લોકો રસ્તાઓ પર વરસાદની મજા લેવા પહોંચી ગયા હતાં. ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ધીમીધારે સંજના ૬-૪પ વાગેથી ૭.૩૦ વાગ્યા સુધી લગભગ અડધો ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં કયાંક ચિંતા તો કયાં ખુશીનો માહોલ છવાયો હતો. વડીયામાં બપોર વાતાવરણમાં પલ્ટો આવતા સંધ્યા સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. ધીમીધારે વરસાદ વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે ખેડૂતો વાવણી લાયક વરસાદી આશા સેવી રહ્યા છે. કુંકાવાવમાં સમી સાંજે ભારે ઉકળાટ વચ્ચે અચાનક સારા વરસાદનું આગમન થયું હતું. એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા ખેતીના વાવેતર ભારે ફાયદો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ  સર્જાયો હતો.

(1:11 pm IST)