સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

રાજુલામાં રેલ્વે જમીન મુદ્દે સૌરાષ્ટ્રમાં આંદોલન કરીશુ : ધાનાણી-ડેર

હજુ ઉપવાસ છાવણી યથાવત : રેલ રોકો આંદોલન કરીને જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડીશુ

રાજકોટ, તા. ૧૮ :  રાજુલાનાં રેલ્વે જમીન મુદ્દે સૌરાષ્ટ્રમાં આંદોલન કરવાની ચીમકી વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી અને રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ આપી છે.

ધારાસભ્ય અંબરીશભાઇ ડેરને ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી ઉપવાસ છાવણી યથાવત છે જયાં દરરોજ એક કલાક અમે બેસીશું ત્યારબાદ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના લોકોની સમસ્યા હલ કરવા આ વિસ્તારોનો પ્રવાસ કરીશું. આ પ્રશ્ને શકિતસિંહ ગોહિલ દ્વારા રેલ્વે મંત્રીશ્રી અને સાંસદો સાથે વાતચીત  થઇ રહી છે. અને પ્રશ્નો લોકહિતમાં ઉકેલ આવે તેવી આશા છે.

રાજુલાનો અહેવાલ

રાજુલા : આ અંગે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા દ્વારા રેલ્વેના અધિકારીઓને સંવાદ કરવા આવેલ તે સમયે એવું જણાવેલ છે કે, રેલ્વેના અધિકારીઓ ભાજપના અહીંના સાંસદ અને રાજુલના ભાજપના પૂર્વ ધારાસભ્યના દબાણ હેઠળ આવી ગયેલા છો પરંતુ સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની રેલ્વે અને રેલ્વે તંત્રને તમારે ચલાવવાનું છે. પણ આ અધિકારીઓ ફકત વાતો જ સાંભળેલ અને કોઇ નિર્ણય આપી શકેલ નહીં ત્યારે ભાઇએ કહેલ કે તમે ડીઆરએેમ સાથે વાત કરો અને કહો કે આ વિસ્તારના સાંસદ નારણ કાછડીયા અને પુર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને અમારી નગર પાલીકા ઇન્વાઇટ કરશે આ જમીનના ઓર્ડરની નકલ આ બન્નેને સુપ્રત કરો અને કામગીરીની શરૂઆત કરો.

કાલે ધારાસભ્ય અંબરીશભાઇ ડેરની ધરપકડ થયેલ તેમની સાથે અન્ય ૪ લોકોની પણ ધરપકડ થયેલ હતી અને તમામને સા. કુંડલા પોલીસ મથકે લઇ જવામાં આવેલ હતા અને ત્યાં તેઓ તમામને જામીન ઉપર છોડવામાં આવેલ હતો.

આ સમગ્ર આંદોલન દરમ્યાન રેલ્વે પોલીસના પીએસાઇ જાડેજા તેમજ ડીવાયએસ.પી સા. કુંડલા ડીવીઝનના તમામ પોલીસ મથકોના સ્ટાફ સાથે રાજુલા પીઆઇ ઝાલા તથા મરીન પીએસઆઇ તુવેર તેમજ રાજુલા સીપીઆઇ રબારી સહિત પોલીસ સ્ટાફે સઘન બંદોબસ્ત જાળવીને કાયદો વ્યવસ્થા જાવેલ હતી.

(1:11 pm IST)