સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

મોરબીની સિરામિક ફેકટરીના ચેકરિટર્નના કેસમાં નાગપુરના વેપારીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

આરોપીને બમણી રકમ ઉપર ૯ ટકા વ્યાજ ચુકવવા પણ કોર્ટનો આદેશ

મોરબી,તા. ૧૮: મોરબીની જાણીતી સિરામિક ફેકટરીમાંથી માલ ખરીદી બદલામાં આપેલ ચેક રિટર્ન થતા અદાલતે નાગપુરના વેપારીને વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે બમણી રકમ ચૂકવવાની સાથે એક વર્ષની કેદની સજા ફટકારવા હુકમ કર્યો છે અને ચુકાદા સમયે આરોપી હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવાની સાથે જામીન પડનાર પાસેથી રિકવરીના આદેશ આપતો ચુકાદો આપ્યો છે.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ ૨૦૧૮માં મોરબીની સેગમ ટાઇલ્સના ડિરેકટર કમલેશભાઈ રાજકોટિયાને નાગપુરની શ્રીરામ ટાઇલ્સના પ્રોપરાઈટર રામપ્રકાશ બારપાત્રએ રૂપિયા ૫ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા અદાલત સમક્ષ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસ મોરબીના ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી નાગપુરના વેપારીને રૂપિયા ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી રૂપિયા ૫ લાખના ચેક સામે ડબલ રકમ એટલે કે રૂ.૧૦ લાખ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવાની સાથે એક વર્ષની સાદી કેદ ઉપરાંત નાણાં ચુકવવામાં કસૂર થયે વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કર્યો છે.

અદાલતમાં ચુકાદા સમયે આરોપી હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ઘ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવાની સાથે જામીન પડનાર વિરુદ્ઘ પણ રિકવરી વોરંટ કાઢી રેવન્યુ રાહે બોજા એન્ટ્રી નાખવા આદેશ કર્યો હતો, આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ પી.ડી.માનસેતા રોકાયેલ હતા.

(1:08 pm IST)