સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

મુન્દ્રા પોર્ટ ઉપર ૬૬ કન્ટેનરો સીઝ : ૨૦ કરોડનો ડીઝલ, કેરોસીન, ૧૦ કરોડનો ઇલેકટ્રોનિક સામાન સીઝ

સમુદ્રી માર્ગે બંદરો ઉપર મિસ ડેકલેરેશન દ્વારા કરોડોની કસ્ટમ ડયુટીની ચોરી દ્વારા કરાતી વ્હાઇટ કોલર દાણચોરીના કાળા કારોબાર ઉપર અંકુશ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : કેન્દ્ર સરકારની ઉદાર આયાત નીતિનો ગેરઉપયોગ કરીને કરોડોની કસ્ટમ ડ્યુટીની ચોરી કરતાં વ્હાઈટ કોલર રાષ્ટ્રદ્રોહી તત્વો ઉપર કાયદાનો અંકુશ જરૂરી છે. સમુદ્રી માર્ગે હવે સફેદ ઠગોએ નવો રસ્તો અપનાવી બંધ કન્ટેનરોમાં મિસ ડેકલેરેશન (એક ને બદલે બીજો સામાન બતાવી) કરોડોની કસ્ટમ ડયુટીની ચોરી કરી દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે.

મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ડીઆરઆઈ અને કસ્ટમની એસઆઇઆઇબી શાખા દ્વારા દિલ્હીની પેઢી દ્વારા આયાત કરાયેલા ૬૬ કન્ટેનર સીઝ કર્યા છે. આ કન્ટેનરોમાં લાઈકોલ હોવાનું ડીકલેર કરાયું હતું. પણ, લેબ ટેસ્ટીંગ દરમ્યાન તેમાં ડીઝલ અને કેરોસીન હોવાનું જણાતા કસ્ટમ વિભાગે ૩૦ કરોડની કિંમતના સામાન સાથે તમામ કન્ટેનર સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે આયાતકાર પાર્ટીના તુઘલખાબાદ (દિલ્હી) અને નૈનિતાલ સહિત સાત સ્થળોએ સઘન તપાસ હાથ ધરાઇ છે.

અન્ય કિસ્સામાં ચાઈનાથી આવેલ કન્ટેનરમાં મિસ ડેકલેરેશન હોવાનું કસ્ટમ વિભાગના ધ્યાને આવતાં દિલ્હી જવા નિકળેલા કન્ટેનરને સામખિયાળી પાસે અટકાવી સીલ કર્યું હતું. દરમ્યાન આ જ આયાતકાર પેઢીના અન્ય ૬ કન્ટેનર સીઝ કરી તપાસ કરતાં તેમાં મોંઘા મોબાઈલ, ઇયર ફોન સહિતની વસ્તુઓ હોવાનું ખૂલ્યું હતું. આ કિસ્સામાં અંડર વેલ્યુએશન (ટેકસ બચાવવા ઓછી કિંમત દર્શાવવી) હોવાનું ધ્યાને આવ્યું હતું. કસ્ટમ દ્વારા ૧૦ કરોડનો જથ્થો સીઝ કરી દિલ્હી, ગાંધીધામ, મુન્દ્રા સહિત આઠ જેટલા સ્થળોએ તપાસ શરૂ કરાઈ છે. કસ્ટમ ડ્યુટી ચોરીના કિસ્સામાં કડક સજા અને આકરો દંડ થાય તો જ આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે.

(11:00 am IST)