સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

મોરબીના ચુપણી ગામે સતના પારખા કરવા ઉકળતા તેલના તાવડામાં હાથ નખાવતા મહિલા ગંભીર દાઝી

બે પાડોશી પરિવારો વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા ઉકળતા તેલમાં મહિલાના હાથ નંખાવ્યા

મોરબી જિલ્લાના ચુપણી ગામે. સતના પારખા કરાવવા એક મહિલાનો હાથ ઉકળતા તેલના તાવડામાં નંખાવતા તે મહિલા ગંભીર રીતે દાઝી ગઇ છે. ચુપણી ગામે બે પાડોશી પરિવારો વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા ઉકળતા તેલમાં મહિલાના હાથ નંખાવ્યા હતા.

 

  આ અંગે મળતી વિગત મુજબ ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ બાજુ બાજુમાં રહે છે અને તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે.

આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પરમ દિવસે ગેલાભાઈના પુત્રએ આ વિવાદિત વાડામાં પોતાના પશુ બાંધતા રૈયાભાઈએ આ વાળો આમારો છે તેવું કહેતા બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી માથાકૂટનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય સુચવ્યો હતો.

આથી સત્યના પારખા કરવા માટે ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ દાઝી ગયા હતા. આ મહિલા હાથ અને પગે દાઝી ગયા છે પરમ દિવસે બનેલી આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર સમાજમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે

  મહત્વની વાત એ છે કે મહિલાના પતિએ જ તેને ઉકળતા તેલમાં હાથ નાંખવા મજબૂર કરી હતી. મહિલાએ તેલના તાવડામાં હાથ નાંખતાની સાથે જ તેની ચિચિયારીઓથી ઘર ગુંજી ઉઠ્યું હતું. બંને પરિવારોએ હળવદ પોલીસ મથકે સામસામી અરજી કરતા પોલીસે મામલા અંગે વધુ તપાસ હાથ ધરી છે

(9:44 pm IST)